જૂનાગઢના નેસ સહિત ૫૪૧ ગામોના ૨,૭૬,૦૦૦ ઘરોમાં વાહકજન્ય રોગ અંગે સર્વે કરાશે

મેલેરીયા મુકત ગુજરાત-ર૦રર અભિયાન અંતર્ગત હાઉસ ટુ હાઉસ વાહકજન્ય રોગ નિયંત્રણ સર્વેલન્સની કામગીરી શરૂ

જિલ્લાના તમામ ગામોમાં આરોગ્યની ટીમ દ્વારા મચ્છર ઉત્પતિ સ્થાનોની તપાસ કરશે

જૂનાગઢ : મેલેરીયા મુકત ગુજરાત-ર૦રર અભિયાન અંતર્ગત તા.ર૧ માર્ચથી તા.૧ એપ્રિલ સુધી વાહકજન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં ગ્રામ્ય તથા શહેરી વિસ્તારના નેસ વિસ્તાર સહિતના પ૪૧ ગામોના ર,૭૬,૦૦૦ ઘરોમાં ઘરે ઘરે ફરીને વાહકજન્ય રોગ અંગે સર્વેલન્સ હાથ ધરવામાં આવી રહેલ છે. તમામ તાવના કેસોના લોહીના નમુના લઇ તપfસ કરવામાં આવશે અને યોગ્ય સારવાર આપવામાં આવશે.

જૂનાગઢ જિલ્લાના તમામ ગામોમાં આરોગ્યની ટીમ દ્વારા મચ્છર ઉત્પતિ સ્થાનોની તપાસ કરવામાં આવશે તથા મચ્છર ઉત્પતિ નિયંત્રણની કામગીરી જેવી કે, પોરાનાશક દવાનો છંટકાવ, બિનઉપયોગી પાત્રોનો નાશ કરવો વગેરે હાથ ધરવામાં આવશે. મકાનની અગાશીમાં પડેલ તમામ પ્રકારના ભંગારનો નિકાલ કરવા અંગે લોકોમાં સમજણ આપવામાં આવશે. અગાઉના વર્ષમાં મેલેરીયા માટે જોખમી ગામોમાં સરકારશ્રી તરફથી ફાળવવામાં આવેલ લાંબાગાળાની દવાયુકત મચ્છરદાનીનું વિતરણ કરવામાં આવેલ છે. જેના ફાયદાની જનસમુદાયને સમજણ આપી વધુમાં વધુ મચ્છરદાની વાપરે તે માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. ગામના અવેડા તથા મોટા ખાડાઓમાં પોરાભક્ષક માછલી મુકવાની કામગીરી હાથ ધરવામાં આવશે. પંકચરની દુકાનોમાં પડી રહેલ ટાયરોનો નિકાલ કરવા સમજણ આપી નિકાલ કરવામાં આવશે.

ચોમાસાની સીઝનમાં ડેન્ગ્યું અને ચીકનગુનીયાના રોગનો ફેલાવો કરતા અને દિવસે કરડતા મચ્છરથી બચવા માટે પુરૂ શરીર ઢંકાઇ રહે તે રીતના કપડાં પહેરવા અંગે જનજાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવશે. લોક સમુદાયમાં વાહકજન્ય રોગથી બચવા અંગે ઘરે ઘરે ફરીને શિક્ષણ આપવામાં આવે છે. જિલ્લામાં ૨૩૭ મલ્ટી પરપઝ હેલ્થ વર્કરશ્રી, ૨૭૪ ફિમેલ હેલ્થ વર્કર, ૩૮ મલ્ટી પરપઝ હેલ્થ સુપરવાઇઝર, ૨૨ ફિમેલ હેલ્થ સુપરવાઇઝર, ૧૬ તાલુકા સુપરવાઇઝર, ૧૬૭ કોમ્યુનિટી હેલ્થ ઓફિસર, ૧૦૬ મેડીકલ ઓફિસર, ૦૯ તાલુકા હેલ્થ ઓફિસર, ૧૦ જિલ્લા સુપરવાઇઝર તથા ૦૭ જિલ્લા કક્ષાના અધિકારીશ્રી આ અભિયાન અંતર્ગત વાહકજન્ય રોગ નિયંત્રણ કામગીરી કરી રહ્યા છે.

મેલેરિયા રોગોના લક્ષણો નીચે મુજબ છે.

 ઠંડી સાથે તાવ આવવો, તાવ એકાંતરે કે રોજ પણ આવી શકે.
 માથાનો દુખાવો તથા શરીરનો દુઃખાવો.
 પરસેવા સાથે તાવ ઉતરે.
 ઉલટી ઉબકા થવા.
 ઝેરી મેલેરિયા તાવમાં સારવાર લેવામાં ન આવે તો દર્દી બેભાન થાય છે અને મૃત્યુ પણ થઇ શકે છે.
 લોક સમુદાયમાં વાહકજન્ય રોગથી બચવા અંગે ઘરે ઘરે ફરીને આરોગ્ય શિક્ષણ આપવામાં આવેલ.
સારવાર
 આપના ગામના આશા બહેન/હેલ્થ વર્કર(પુ./સ્ત્રી.) પાસેથી વિના મુલ્યે લોહીની તપાસ કરાવી મેલેરિયાની સારવાર આપવામાં આવે છે.
 સાદા મેલેરીયાના દર્દીને ઘરબેઠા ૧૪ દિવસની સારવાર આપવામાં આવે છે જયારે ઝેરી મેલેરિયાના દર્દીને ત્રણ દિવસની કોમ્બીપેક સારવાર આપવામાં આવે છે.
 લોહીની ઉણપ જણાય તો નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અથવા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે વિના મુલ્યે સારવાર મળી શકે છે.
ડેન્ગ્યુ રોગના લક્ષણો
 અચાનક સખત તાવ આવવો.
 લમણામાં દુઃખાવો થવો.
 આંખનીપાછળના ભાગમાં દુઃખાવો થવો.
 છાતી તથા હાથ પર ઓરી-અછબડા જેવા દાણા દેખાવા.
 તાવની દવા ખાવા છતાં તાવ ન ઉતારવો.
 સમયસર સારવાર લેવામાં ન આવે તો દર્દી બેભાન થાય અને મૃત્યુ પણ થઇ શકે છે.
સારવાર
 ઉક્ત ચિન્હો/લક્ષણો જણાય તો નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અથવા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે વિના મુલ્યે સારવાર આપવામાં આવે છે.
 વધારે ગંભીર સ્થિતિ જણાય તો જીલ્લા કક્ષાની સરકારી હોસ્પિટલનો સંપર્ક કરી સારવાર લેવી.
ચીકુનગુનીયાનાં રોગનાં લક્ષણો
 તાવ આવવો.
 સાંધાનો સખત દુઃખાવો થવો.
 માથાનો દુઃખાવો થવો.
 હાથ પગમાં સોજા આવવા.
 સમયસર સારવાર લેવામાં ન આવે તો દર્દીને મહિનાઓ સુધી દુઃખાવો રહેવા પામે છે.
સારવાર
 ઉક્ત ચિન્હો/લક્ષણો જણાય તો નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અથવા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે વિના મુલ્યે સારવાર આપવામાં આવે છે.
 વધારે ગંભીર સ્થિતિ જણાય તો જીલ્લા કક્ષાની સરકારી હોસ્પિટલનો સંપર્ક કરી સારવાર લેવી.

મચ્છરજન્ય રોગોથી બચવા અને મચ્છર ઉત્પતી અટકાવવા આટલું કરીએ
 આપના ઘરની આસપાસ ખાડા ખાબોચિયાનું પાણી વહેડાવી દેવું અથવા માટીથી પુરણ કરો.
 ઘર તથા ગામની આજુબાજુ પાણીનો ભરાવો થાય ત્યાં બળેલ ઓઈલ તથા કેરોસીનના મિશ્રણવાળા બિન ઉપયોગી કપડાના ટુકડા નાખવા.
 પીવાનું પાણી તેમજ વપરાશના પાણીની કોઠી/ટાંકીને હવાચુસ્ત ઢાંકણથી બંધ કરવી.
 વપરાશી પાણીમાં દર રવિવારે રાત્રે પાણીની સપાટી ઉપર કવર્ડ થાય તેટલું કેરોસીન અવશ્ય નાખવું જેથી મચ્છર ઉત્પતિ અટકાવી શકાય.
 ઘર, ચોક, ફળીયામાં કે ધાબા પર તૂટેલા વાસણો, ટાયરો, ડબા વગેરે ભંગારનો નિકાલ કરવો.
 લાંબો સમય પાણી ભરાય રહેતું હોય તેવા મોટા ખાડા/તળાવમાં પોરાભક્ષક માછલીઓ મુકવી.
 નકામા ટાયરમાં વરસાદી પાણી ન ભરાય રહે તે રીતે ઢાંકીને રાખવા.
 પક્ષીકુંજ, ફ્રીજની ટ્રે વગેરે દર અઠવાડિયે ઘસીને સાફ કરવા.
 દવાયુક્ત મચ્છરદાનીમાં સુવું. મચ્છરદાની દવાવાળી કરવા આશા બહેન તથા આરોગ્ય કાર્યકરનો સંપર્ક કરવો.
 સવાર તથા સાંજના સમયે ઘરના બારી દરવાજા બંધ રાખવા તથા ઘરની અંદર લીમડાનો ધૂમાડો કરવો.
 ઘરની તમામ બારીઓમાં મચ્છરપ્રૂફ જાળી લગાવો.
 આરોગ્ય કાર્યકર તથા આશા બહેનોને સહકાર આ૫વો તથા તેમના તરફથી મળતી સુચનાનો અમલ કરવો.
 વધુ માહિતી માટે આરોગ્ય કાર્યકર અથવા નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો.