જુનાગઢના રાજકીય આગેવાનની હપ્તાખોરી બંધ ન થાય તો ટ્રક ઍસોશિયેશનના ધંધાર્થીઓ આંદોલન કરશે

કહેવાતા રાજકીય આગેવાન બિલ્ડરો તેમજ બાંધકામનો માલસામાનની હેરફેર કરતા ધંધાર્થીઓને ખોટા કેસમાં ફિટ કરવાની ધમકી આપી હપ્તા ઉઘરાવતા હોવાના આક્ષેપ સાથે જૂનાગઢ ટ્રાન્સપોર્ટ એસો.ની કલેકટરને રજુઆત

જૂનાગઢ : જૂનાગઢમાં JCB, ટ્રેકટર, ડમ્પર અને હિટાચી વિગેરે ધરાવતા અને ખેતર રીપેરીંગ, રેતીની લીઝ, જમીન સફાઈ તથા બીલ્ડીંગને લગતા તમામ કામ કરતા તેમજ ટ્રેકટરમાં રેતી, કોર્કેટ પણ જયાંથી લીઝ ચાલતી હોય ત્યાંથી તથા રેતી, બેલા વિગેરે વસ્તુ બીલ્ડરોને પહોંચાડવાનું કામ કરતા ધંધાર્થીઓએ જૂનાગઢ ટ્રાન્સપોર્ટ એસો.ના નેજા હેઠળ કલેકટરને રજુઆત કરી રાજકીય આગેવાન બિલ્ડરો તેમજ બાંધકામનો માલસામાનની હેરફેર કરતા ધંધાર્થીઓને ખોટા કેસમાં ફિટ કરવાની ધમકી આપી હપ્તા ઉઘરાવતા હોવાના આક્ષેપ કરી આ અંગે ન્યાયની માંગ કરી છે.

રજુઆતમાં જણાવ્યું હતું કે,જુનાગઢ માખીયાળા મુકામે રહેતા એક રાજકીય આગેવાન પોતાની સતાનો દુરઉપયોગ કરી અને પૈસા પડાવવાનાં ઈરાદે જયાં બીલ્ડીંગનાં કામ ચાલુ હોય ત્યાં સ્થળ ઉપર જઈ અને બીલ્ડરોને માલ વિશે જેમાં બેલા, રેતી, કપચી અને ભરતી બાબતે પુછી પૈસા પડાવે છે. અને જો કોઈ બીલ્ડર પૈસા આપવાની ના પાડે તો તેને ખોટી રીતે પરેશાન કરવા માટે ખાણ ખનીજની ધમકીઓ આપે છે. જેના કારણે બીલ્ડરો ઝંઝટમાં ન પડવુ તેવા હેતુથી પૈસા આપી દયે છે. તેથી કાયદેસર ગુનામાં સંડોવી દેવાના ઈરાદે ખુબ મોટા પૈસા પડાવવાનો ધંધો કરે છે.

વધુમાં જણાવ્યું હતું કે, IPC ની કલમ ૪૮૯ મુજબનો ગુન્હો છેલ્લા દોઢેક વર્ષથી કરી અને આશરે ૪૦ થી ૫૦ લાખનો અલગ અલગ લોકો પાસેથી તોડ કરેલ છે. તેમજ જુનાગઢ બાયપાસ રોડ પરથી અથવા માખીયાળા રોડ ઉપરથી નીકળતા વાહનો ટ્રેકટર, ડમ્પર, JCB જેવાને રોકી બેફામ ગાળો બોલે છે અને કયાં કામ ચાલે છે તેની માહિતી આપો તેવુ કહી પૈસા પડાવે છે. જેથી આ દોઢ વર્ષમાં જે પૈસા બનાવેલ છે તેની યોગ્ય તપાસ કરવી જરૂરી છે. અને આ માણસ સ્પષ્ટ ફોન ઉપર એવા શબ્દો બોલે છે કે મારો બધેય ભાગ રાખો, એકલા એકલા ધંધો કરી લ્યો તે ચલાવી લેવામાં નહી આવે, મારે પોલીસ, ખાણ ખનીજ, મામલતદારને બધાને થોડુ થોડુ આપવુ પડતુ હોય છે. જેથી મારા તમામ કાર્યોમાં ભાગ રાખો તો હું આ ધંધા બંધ કરી દઈશ. પણ બેઠા બેઠા મને પૈસા મળવા જોઈએ.

આ રાજકીય આગેવાન દરેક ક્ષેત્રમાંથી RTI કરી અને RTI કાયદાનો દુરઉપયોગ કરે છે. અને તેની સાથે તેના પાંચ મળતીયાઓ પણ આ કાયદાનો દુરઉપયોગ કરે છે. અને આ કાયદાનો દુરઉપયોગ કરવા માટે તેની સાથે ધોરણસર થવું ન્યાયનાં હિતમાં છે. ઉપરોકત તમામ હકીકત ઘ્યાને લઈ આ વ્યકિત સામે યોગ્ય ઈન્કવાયરી કરી અને તાત્કાલીક ધોરણે તેની સામે ગુન્હો દાખલ કરવામાં નહી આવે તો આ એસોસીએશનનાં તમામ સભ્યો ઉપવાસ ઉપર બેસશું અને જરૂરીયાત પડે તો દિલ્હી સુધી રજુઆત કરશું. તેવી ચીમકી આપી છે.