જૂનાગઢના શાંતેશ્વર રોડ ઉપર ખાડામાં સિમેન્ટ ભરેલો ટ્રક ફસાયો

તંત્ર દ્વારા રોડ ખોદી નખાતા વારંવાર વાહનો ફસાઈ જવાથી સ્થાનિકોમાં ભારે રોષ

જૂનાગઢ : જૂનાગઢના શાંતેશ્વર રોડ ઉપર સિમેન્ટ ભરેલો ટ્રક ફસાયો હતો. જેને મહામુસીબતે બહાર કાઢવામાં આવ્યો હતો. જો કે તંત્ર દ્વારા રોડ ખોદી નખાતા આ રીતે વારંવાર ખાડાઓમાં વાહનો ફસાઈ જવાથી સ્થાનિકોમાં ભારે રોષ વ્યાપી ગયો છે.

જૂનાગઢ શહેરના શાંતેશ્વર રોડ ઓઘડ નગર વિસ્તારમાં આજે એક સિમેન્ટ ભરેલો ભારેખમ ટ્રક બરાબરનો ફસાય ગયો હતો. જેમાં સિમેન્ટ ભરેલો ટ્રક આ રસ્તાના ખોદેલા ખાડામાં ફસાતા ટ્રકચાલક હેરાન પરેશાન થઈ ગયો હતો. અહીંના લોકોનું કહેવું છે કે આ વિસ્તારમાં કોઈ કામગીરી દરમ્યાન ખાડાઓ તંત્ર દ્વારા ખોદી નાખવામાં આવ્યા છે પરંતુ ફરી આ રોડ બનાવવામાં નથી આવ્યું જેના કારણે અવારનવાર આ વિસ્તારમાં ટ્રક સહિતના વાહનો ફસાઇ છે જ્યારે આ ટ્રક ચાલકે જણાવ્યું કે આ વિસ્તારમાં કોઈ મોટી જાનહાની થાય તે પહેલા મહાનગર પાલિકા તંત્ર દ્વારા જલ્દીથી આ રસ્તો બનાવી દેવામાં આવે તેવી માંગ ઉઠી છે.