જૂનાગઢ મનપાને બે વર્ષમાં રૂ.7,706 કરોડની ગ્રાન્ટ મળી, પણ કામ જ ન થયા !

ધારાસભ્યએ વિધાનસભામાં પૂછેલા પ્રશ્નમાં જવાબ મળતા મનપાના શાસકો ભીંસમાં મુકાયા

જૂનાગઢ : જૂનાગઢ મનપાને બે વર્ષમાં રૂ.7,706 કરોડની ગ્રાન્ટ મળી હતી. તેવો જૂનાગઢના ધારાસભ્યએ વિધાનસભામાં પુછેલા પ્રશ્નનો જવાબ મળ્યો હતો. આથી ધારાસભ્યએ બે વર્ષમાં કોરોડોની ગ્રાન્ટ મળી પણ તેના એકપણ વિકાસ કામો ન થયાનો આક્ષેપ કરતા જૂનાગઢ મનપાના શાસકો ભીંસમાં મુકાઈ ગયા છે.

જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઈ જોશીએ વિધાનસભામાં જૂનાગઢ મહાનગરપાલિકાને છેલ્લા બે વર્ષમાં કેટલી ગ્રાન્ટ મળી અને કઈ કઈ ગ્રાન્ટ વપરાય તે અંગેનો પ્રશ્ન પૂછ્યો હતો. આથી શહેરી વિકાસ મંત્રી દ્વારા તે પ્રશ્નના જવાબ રૂપે લેખિત માહિતી આપવામાં આવી હતી. જેમાં રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા છેલ્લા બે વર્ષમાં જૂનાગઢ મનપાને ગ્રાન્ટ અપાઈ છે અને જૂનાગઢ મનપાને ગત બે વર્ષમાં કુલ 7,706 કરોડની ગ્રાન્ટ મળી છે. તેવું લેખિતમાં દર્શાવ્યું હતું. આથીજૂનાગઢના ધારાસભ્યએ આ ગ્રાન્ટ મામલે જૂનાગઢ મનપા સામે ગ્રાન્ટ મળી પણ વિકાસના નામે કાઈ જ કર્યું નથી તેવો આક્ષેપ કર્યો હતો.