ઉઘારીમાં આપેલા ગેસના બાટલાના પૈસાની ઉઘરાણી મામલે ગજનીએ યુવકને ધમકાવ્યો

વંથલીના મેંગો માર્કેટ પાસે બનેલા બનાવની ફરિયાદ નોંધાઈ

જૂનાગઢ : વંથલીના મેંગો માર્કેટ પાસે આવેલ ગેસ ગોડાઉનેથીબાકીમાં ગેસ સીલીન્ડર લઇ ગયા બાદ તેના પૈસા માંગતા ઉશ્કેરાયેલા ગજની નામના શખ્સે પાઇપ લઈને યુવાનની પાછળ મારવા દોડી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો બનાવ સામે આવ્યો છે.પોલીસે આ બનાવની ફરિયાદ નોંધી આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

વંથલી પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી જુબેરભાઇ અમીનભાઇ જેઠવા (ઉ.વ.૨૪ રહે. ખાટકીવાડાના નાકે વંથલી) એ આરોપી ઇકબાલ ઉર્ફે ગજની સાંધ (રહે.દિલાવરનગર વંથલી તા.વથંલી) સામે ફરિયાદ નોંધાવી હતી કે, આરોપી અગાઉ ફરિયાદી પાસેથી ગેસ ગોડાઉનેથી બાકીમાં ગેસ સીલીન્ડર લઇ ગયેલ હોય અને ફરિયાદીને ગેસ સીલીન્ડરના રૂ.૯૧૮ ન આપતા ફરિયાદીએ તેના વિરૂધ્ધ પોલીસમાં અરજી કરેલ હોય જે વાતનુ મનદુખ રાખી એક લોખંડનો પાઇપ લઇને ફરિયાદી પાસે આવી ફરિયાદીને જાહેરમાં ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી લોખંડનો પાઇપ મારવા ઉગામ્યો હતો.