વંથલી તાલુકાના ધનફૂલીયા ગામે ચણાના ઢગલામાં આગ ભભૂકી

ખેતરમાં ઢાંકેલા ચણા કોઈએ સળગાવી દીધાની આશંકા, અંદાજે 90 હજારનો ચણાનો પાક બળીને રાખ

જૂનાગઢ : વંથલી તાલુકાના ધનફૂલીયા ગામે ચણાના ઢગલામાં આગ ભભૂકી ઉઠી હતી અને જોતજોતામાં ચણાનો પાક આગની લપેટમાં આવી જતા અંદાજે 90 હજારનો ચણાનો પાક બળીને રાખ થઈ ગયો હતો. જો કે ખેતરમાં ઢાંકેલા ચણા કોઈએ સળગાવી દીધાની આશંકા ઉઠી છે અને આ બનાવ મામલે ખેડૂતે ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે.

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર વંથલી તાલુકાના ધનફૂલીયા ગામે ખેતરમાં રાખેલા ચણાના ઢગલામાં લાગી આગ હતી. જો કે ખેતરમાં ઢાંકેલા ચણા કોઈએ સળગાવી દીધાની આશંકા જાગી હતી. આ બનાવને પગલે આસપાસના ખેડૂતો દોડી ગયા હતા અને આગને બુઝાવવાની કોશિશ કરી હતી.પણ ચણાનો પાક આગની ભીષણ જ્વાળાઓમાં લેપટાઈ જતા અંદાજે 90 હજારનો મુદ્દામાલ બળીને ખાખ થઈ ગયો હતો.આગની ઘટનામાં ખેડૂતને મોટી નુકશાની થતા તેઓ ચિંતામાં ગરકાવ થઈ ગયા હતાં અને આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરી છે.

આગની ઘટના મામલે ખેડૂતે જણાવ્યું હતું કે, આ ખેતર તેમણે ભાગમાં વાવવા રાખ્યું હતું અને આકરી મહેનત કરીને ચણાનો પાક વવ્યો હતો.ત્યારે આ ચણાનો પાક તૈયાર થાય એટલે ખેતર માલિકને ચણાના પાક પેટે રૂ 60 હજાર આપવાના હતા. દર વર્ષની જેમ આ વખતે તેઓ તથા તેમનો પરિવાર અને બે મજૂર સવારથી મજૂરી કરી ખેતરમાંથી ચણાનો પાક એકત્ર કરી ઢગલા કરીને જમવા ગયા હતા. એટલી જ વારમાં ચણાના ઢગલા સળગી ગયા હતા. આવી રીતે ખેડૂતની મરણમૂડી સમાન પાક બળી જાય તો ખેડૂતને આપઘાત કરવાની જ નોબત આવે તેવી હૈયાવરાળ ઠાલવીને સરકાર સમક્ષ તેમણે યોગ્ય ન્યાયની માગણી કરી છે.