જૂનાગઢ સરદાર ચોકની સરકારી લાઇબ્રેરી બનશે સ્માર્ટ લાઇબ્રેરી

સ્માર્ટ લાઇબ્રેરીમાં નાના બાળકો માટેની સુવિધા,સીસીટીવી કેમેરા,લાઇટીંગ અને અદ્યતન ફર્નિચરથી સજ્જ કરાશે

ભાઇઓ-બહેનો માટે અલગ-અલગ એસી હોલની સુવિધા સાથેનું બિલ્ડીંગ

લાઇબ્રેરીમાં રોજના ૧૬ અખબાર, ૬૫ મેગેઝિન આવે છે : સવારે ૮ થી રાતના ૧૧ વાગ્યા સુધી વાંચવા માટે લાઇબ્રેરી ખુલ્લી રહે છે

જૂનાગઢ : રાજ્ય સરકાર દ્વારા ૫ જિલ્લામાં સ્માર્ટ લાઇબ્રેરી બનાવવાનો પ્રોજેક્ટ અમલમાં મુકવામાં આવ્યો છે. જેમાં જૂનાગઢ શહેરના સરદાર ચોક ખાતેની સરકારી લાઇબ્રેરીનો પણ સમાવેશ થાય છે અને આ સરકારી લાઇબ્રેરીને સ્માર્ટ લાઇબ્રેરી બનાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

સરકારી લાઇબ્રેરીમાં રોજના ૬૦૦થી વધુ વિદ્યાર્થીઓ વાંચવા માટે આવે છે. જેમાં હાલ ભાઇઓ-બહેનો માટે અલગ-અલગ એસી હોલની સુવિધા સાથે બિલ્ડીંગ સજ્જ છે.

જૂનાગઢ સરકારી લાઇબ્રેરીના ગ્રંથપાલ મહેશભાઇ પરમારે જણાવ્યું હતું કે,રાજ્ય સરકાર દ્વારા રાજ્ય પાંચ જિલ્લા અમદાવાદ,રાજકોટ,મહેસાણા,વડોદરા અને જૂનાગઢની સરકારી લાઇબ્રેરીને સ્માર્ટ લાઇબ્રેરી બનાવવાનો પ્રોજેક્ટ અમલમાં મુકવામાં આવ્યો છે.જેમાં સ્માર્ટ લાઇબ્રેરી બનાવવાની કામગીરી ચાલી રહી છે.આ સ્માર્ટ લાઇબ્રેરીમાં નાના બાળકો માટે અલગથી એક વિભાગ,વિદ્યાર્થીઓને બેસવામાં મુશ્કેલી ન પડે તે અલગ અલગ સુવિધાઓ,લાઇટીંગ ડેકોરેશન,કોન્ફરન્સ હોલ, સીસીટીવી કેમેરા,અદ્યતન ફર્નિચરથી સજ્જ કરવામાં આવશે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, લાઇબ્રેરીમાં ૧૪,૩૯૦ સભ્યો નોંધાયેલા છે.અને રોજના ૬૦૦ જેટલા વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોવાથી વાંચવા માટે આવે છે. તેમની સુવિધા માટે અદ્યતન બિલ્ડીંગ વર્ષ ૨૦૧૮માં શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં ભાઇઓ-બહેનો માટે અલગ-અલગ એસી હોલની સુવિધા છે. તેમજ વિદ્યાર્થી માટે ઠંડા પાણી માટે કુલર, પંખા, લાઇટ અને સીસીટીવી કેમેરા સહિતની સુવિધા ઉપલબ્ધ છે. લાઇબ્રેરીમાં રોજના ૧૬ અખબાર, ૬૫ મેગેઝિન આવે છે. વિદ્યાર્થીઓના વાંચનને ધ્યાને લઇને સવારે ૮ થી રાતના ૧૧ વાગ્યા સુધી લાઇબ્રેરી ખુલ્લી રાખવામાં આવે છે.

રાજ્ય સરકાર દ્વારા યુવાનોના હિતને ધ્યાને રાખીને વાંચન વ્યવસ્થા વધારવામાં આવી રહી છે. ત્યારે હવે થોડા જ સમયમાં જૂનાગઢ સરકારી લાઇબ્રેરી સ્માર્ટ લાઇબ્રેરી બની જશે.જેનો લાભ વડિલો,વિદ્યાર્થીઓ અને નાના બાળકો પણ લઇ શકશે.