જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં સગર્ભાઓ માટે ફિઝિયોથેરાપી એક્સરસાઇઝ શરૂ

સિઝેરિયન ટાળવા અને નોર્મલ ડીલેવરી થાય તે માટે આ સુવિધા શરૂ કરાઇ

જૂનાગઢ : જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે સગર્ભા મહિલાઓ માટે અનોખી સુવિધા શરૂ કરવામાં આવી છે, જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવતી સગર્ભા મહિલાઓ માટે ફિઝિયોથેરાપી એક્સરસાઇઝ શરૂ કરવામાં આવી છે, ખાસ કરીને સગર્ભા મહિલાઓને સિઝેરિયન પ્રસુતિ ન થાય અને નોર્મલ ડીલેવરી થાય તે માટે આ અનોખી ફિઝિયોથેરાપી એક્સરસાઈઝ શરૂ કરાઇ છે જેનો મોટી સંખ્યામાં સગર્ભા મહિલાઓ લાભ લઇ રહી છે.

જુનાગઢ સિવિલ હોસ્પિટલના ફિઝિયોથેરાપિસ્ટ ડો.પિયુશા સોલંકીએ જણાવ્યું હતું કે, જૂનાગઢ સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ સુશીલકુમારની સૂચનાથી જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં પ્રસુતિ પહેલા અને પ્રસુતિ પછીની કસરતો શરૂ કરવામાં આવી છે જેનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે, સિઝેરિયનનું જોખમ તળે અને નોર્મલ પ્રસુતિ જ થાય તે માટે સગર્ભા મહિલાઓની ખાસ પ્રકારની કરસતો કરાવવામાં આવે છે. હાલ સિઝેરિયન પ્રસુતિ વધી છે. તે જોખમકારક છે. ખાસ કરીને સિવિલ હોસ્પિટલમાં 60 ટકા જ નોર્મલ ડિલેવરી થાય છે. આ રેશિયો વધારવા માટે આ સુવિધાઓ શરૂ કરવામાં આવી છે. જેમાં સર્ગભા મહિલાઓને તબીબી અભિપ્રાય મુજબ કરસ્ત કરાવવામાં આવે તો નોર્મલ ડિલેવરી થાય છે અને બાળક તથા માતા બન્ને સ્વસ્થ રહે છે. તેમજ સર્ગભા બહેનો પણ આ સુવિધાઓનો લાભ ઉઠાવી રહી છે.