જૂનાગઢ મનપાની સામાન્ય સભામાં ભાજપમાં જ તડા, સફાઈ મુદ્દે ભાજપના જ નગરસેવકો કાળઝાળ

ભવનાથનો મેળો પૂરો થઈ ગયો હોવા છતાં કચરાના ગંજ દૂર ન થતા ભાજપના નગરસેવકે હોબાળો મચાવ્યો, તાત્કાલિક સફાઈ ન થાય તો સાધુ સંતો સાથે આંદોલન કરવાની ચીમકી

જૂનાગઢ : જૂનાગઢમાં ભાજપ શાસિત મનપામાં આજે યોજયેલી સાધારણ સભામાં ભાજપમાં જ તડા પડ્યા હોય તેવું ચિત્ર સામે આવ્યું હતું. જેમાં ભાજપની સામે જ ભાજપની જેમ સફાઈ મુદ્દે ભાજપના જ કોર્પોરેટરે ભારે હોબાળો મચાવ્યો હતો. તેમના જણાવ્યા મુજબ ભવનાથનો મેળો પૂરો થઈ ગયાને ઘણો સમય વીતવા છતાં ત્યાં હજુ કચરાના ગંજ દૂર ન કરતા તેઓએ તાત્કાલિક સફાઈ ન થાય તો સાધુ સંતો સાથે આંદોલન કરવાની ચીમકી આપી છે.

જૂનાગઢ મનપાની આજે સામાન્ય સભા યોજાઈ હતી. જેમાં સફાઈ મુદ્દે ભાજપના નગરસેવકોએ તડાપીટ બોલાવી હતી. શાસક પક્ષ ભાજપના જ કોર્પોરેટરને ગણવામાં ન આવતો હોવાનો આક્ષેપ કરી ભવનાથમાં મેળા બાદ કચરાના ઢગલા ખડકાયા હોવાનું જણાવી તાત્કાલિક સફાઈ નહીં થાય તો આંદોલનની ચીમકી આપી છે જેમાં એભાભાઈ કટારાએ સહિતના અન્ય નગરસેવકોએ આ રીતે વિરોધ નોંધાવ્યો હતો. સતત અવગણના થતી હોવાની ભાજપના નગરસેવકોએ આજે ચાલુ સભામાં પોતાની હૈયાવરાળ ઠાલવી હતી.

વધુમાં જૂનાગઢ મહાનગર પાલિકાની સાધારણ સભામાં ભાજપના જ કોર્પોરેટર વિરોધ નોંધાવ્યો હતો અને અધિકારીઓ સામે ભાજપના જુદા જુદા વોર્ડના ૬ થી ૭ કોર્પોરેટરો લાલઘૂમ થયા હતા. જૂનાગઢ શહેરના નગરપાલિકા હદ વિસ્તારના વોર્ડની અંદર વિકાસના કામો નથી થતા અને અધિકારીઓની બેદરકારી હોવાના આક્ષેપો કરાયા છે ત્યારે આજે ભાજપના જ કોર્પોરેટરો અધિકારીઓ સામે કાળઝાળ થયાં હતાં. આ સભામાં ભાજપના નગરસેવકોએ ભારે કડવી ભાષામાં શાબ્દિક ચાબખા પણ માર્યો હતા. તેથી ભાજપના પદાધિકારીઓ સ્તબ્ધ બની ગયા હતા.

ભાજપના કોર્પોરેટર જ્યારે વિરોધ કરતા હતા, તે સમયે પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને રાકેશ ધુલેશિયા બોર્ડમાં વચમાં બોલતા ભાજપના કોર્પોરેટર એભા કટારાએ કહ્યું તમે તમારા વોર્ડની ચિંતા કરો મારા વોર્ડની નહિ , હમારા વોર્ડ માટે અમે બેઠા છીએ , વધુમાં કહ્યું કે તમારે કહેવાનો રાઇટ(હક) નથી હમને, હમારે રાઈટ(હક) છે બોલવાનો. તેમ કહેતા સભામાં સન્નાટો મચી ગયો હતો.

જ્યારે જૂનાગઢના મેયર ગીતાબેન પરમારે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આજે નગરસેવકો અને પ્રજાના જે જે પ્રશ્નો જનરલ બોર્ડમાં રજૂ થયા હતા. જેમાં ગટર, પાણી, કચરાના ગંજ, સફાઈ સહિતના પ્રશ્નોનું તાકીદે નિવારણ લાવવા જે તે વિભાગના અધિકારીઓને સૂચના આપી દીધી છે. જ્યારે હાલમાં ફાયર એનઓસી અને બીયું સર્ટિફિકેટ વિહોણી મિલ્કતને સિલ મારવા અને આ સિલ મારવામાં વહાલા દવલાની નીતિ અપનાવતી હોવાના આક્ષેપના જવાબમાં તેમણે માત્ર આ કોર્ટ મેટર હોય તેમાં દરમ્યાનગીરી ન કરવાનું જણાવ્યું હતું.