આંગણવાડીના બીલમાં સહી મામલે વર્કરના પતિ સહિત પાંચ શખ્સોએ હેલ્પરને માર માર્યો

વંથલીના ગાંઠીલા ગામે મારામારીના બનાવમાં પાંચ સામે ફરિયાદ નોંધાઈ

જૂનાગઢ : વંથલીના ગાંઠીલા ગામે આંગણવાડીના બીલમાં સહી મામલે વર્કરના પતિ સહિત પાંચ શખ્સોએ હેલ્પર અને તેના પરિવારના સભ્યોને માર માર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે હેલ્પરે ફરિયાદ નોંધાવતા પોલીસે પાંચેય આરોપીઓ સામે ગુન્હો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

વંથલી પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી ભાવનાબેન નરોતમભાઈ પરમાર (ઉ.વ.૩૭, રહે.ગાંઠીલા પ્લોટ વિસ્તાર તા.વંથલી, જી.જુનાગઢ) એ આરોપીઓ ગૌતમ નરશીભાઈ ચૌહાણ, પંકજ નરશી ચૌહાણ, દિનેશ મંગાભાઈ પરમાર, કરણ મંગાભાઈ પરમાર, વિનય મંગાભાઈ પરમાર (રહે.તમામ ગાંઠીલા તા.વંથલી) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ફરીયાદી આંગણવાડીમાં હેલ્પર તરીકે હોય તેમજ બીજા નબરના આરોપીની પત્ની આંગણવાડીમાં વર્કર હોય બીલમાં સહી બાબતે બોલાચલી થયેલ તે બાબતનુ મનદુખ રાખી આરોપીઓએ હાથમાં લાકડી લઈને ફરીયાદીના ઘરે આવી ફરીયાદી તથા સાહેદોને ગાળો આપી ઉશ્કેરાઈ જઈ ફરીયાદી તથા સાહેદને લાકડી મારી મુંઢમાર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી બાદમાં સાહેદના ઘર પાસે જઈ સાહેદ રતીલાલને ઝાપટ મારી ભીખાભાઈને લાકડીથી મારી ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.