શેરડીના રસની દુકાને માથાકૂટ થતા બે ભાઈઓ ઉપર હુમલો

માળીયા હાટીનાના અમરાપુર ગીર ગામે શીવ શક્તિ જનરલ સ્ટોર નામની દુકાને થયેલી મારામારીમાં બે સામે ફરિયાદ

જૂનાગઢ : માળીયા હાટીનાના અમરાપુર ગીર ગામે શીવ શક્તિ જનરલ સ્ટોર નામની દુકાને શેરડીના રસ પીવા જતા માથાકૂટ થતા બે ભાઈઓ ઉપર હુમલો થયાનો બનાવ સામે આવ્યો છે. જેમાં દુકાનદાર સહિત બે શખ્સોએ હુમલો કર્યાની ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.

માળીયા (હા) પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી રમેશભાઇ કરશનભાઇ દાફડા (ઉ.વ.૨૯ રહે.બાગ વિસ્તાર અગતરાય તા.કેશોદ)એ આરોપીઓ કુલદિપ બાપુ તથા શીવ શક્તિ જનરલ સ્ટોર નામની દુકાન વાળા સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા. ૧૪ના રોજ સાંજના ચારેક વાગ્યાના સુમારે ફરિયાદી તથા તેના બાપાનો દિકરો વિજયભાઇ નાથાભાઇ બન્ને અમરાપુર ગીર ગામે શીવ શક્તિ જનરલ સ્ટોર નામની દુકાને રસ પીવા ઉભેલ હતા. ત્યારે વિજયભાઇ નાથાભાઇને આ દુકાનવાળા સાથે બોલાચાલી થતા ફરિયાદી તેમની વચ્ચે પડતા આ દુકાનવાળાએ ફરિયાદીને શેરડીના શાઠાથી મારેલ તથા દુકાનની અંદરથી આવેલ ઇસમે પાવડાના હાથા વડે ફરિયાદીને માર મારી માથામા ઇજા કરી હતી.