ખેતરમાં રોઝડા ઘુસી જવા મામલે ખેડૂતને લાકડી અને પાઇપ ફટકાર્યા

માળીયા હાટીનાના જલંધર ગામેં શેઢા પાડોશીઓએ હુમલો કર્યાની ફરિયાદ

જૂનાગઢ : માળીયા હાટીનાના જલંધર ગામેં ખેતરમાં ઘુસી ગયેલા રોઝડાને ભગાડવા જતા બાજુના ખેતર ઘુસી જવાથી એ ખેતરના શેઢા પાડોશીઓએ ખેડુત પર લાકડી અને પાઈપથી હુમલો કર્યો હતો. આ બનાવ અંગે ખેડૂતે પોતાના બે શેઢા પાડોશીઓ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

માળીયા (હા) પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી રઘુભાઇ કાથડભાઇ ગીડા (ઉ.વ.૩૬ રહે.જલંધર તા.માળીયા હાટીના)એ આરોપીઓ ચાંપરાજભાઇ એભલભાઇ ગીડા , પિયુષ એભલભાઇ ગીડા
તથા બે અજાણ્યા ઇસમો સામે ફરિયાદ નોંધાવી હતી કે, ફરીયાદીના ભાઇએ ભાગમાં બાજરાનુ વાવેતર કરેલ હોય જ્યા રખોપૂ કરવા ગયેલ હતો અને ખેતરમાં રોઝડા આવતા રોઝડાને ભગાડતા બાજુમાં આવેલ આરોપી ચાંપરાજભાઇના ખેતરમાં રોઝડા જતા આરોપીઓએ ઉશ્કેરાઇ જઇ ફરીયાદીને ગાળો આપી લોખંડના પાઇપ તથા લાકડી વડે માર મારી મુઢ ઇજાઓ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.