પ્રેમલગ્ન બાદ છુટાછેડા થઈ જતા યુવક અને તેના પિતા ઉપર હીંચકારો હુમલો

માળીયા હાટીનાના અમરાપુર ગીર ગામે યુવતીના પરિવારજનોએ હુમલો કર્યાની ફરિયાદ નોંધાઈ

જૂનાગઢ : માળીયા હાટીનાના અમરાપુર ગીર ગામે પ્રેમલગ્ન બાદ છુટાછેડા થઈ જતા યુવક અને તેના પિતા ઉપર હીંચકારો હુમલો થયાનો બનાવ સામે આવ્યો છે. જેમાં યુવતીના પરિવારજનોએ ઘાતક હિથયારો સાથે યુવક અને તેના પિતા ઉપર હુમલો કર્યાની ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.

માળીયા (હા) પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી લખમણભાઇ બચુભાઇ કણેત (ઉ.વ.૫૫ રહે.અમરાપુર ગીર) એ આરોપીઓ મુન્નો રવજીભાઇ મારૂ, ભાણજી ગોવીંદ પાથર, મહેન્દ્ર ભાણજી પાથર તથા બે અજાણ્યા ઇસમો સામે ફરિયાદ નોંધાવી હતી કે, ફરીયાદીના દીકરા રાહુલએ બે મહીના પહેલા આરોપી ભાણજીભાઇ પાથરની દીકરી સાથે પ્રેમલગ્ન કરેલ બાદમાં છુટાછેડા થઇ ગયેલ જે મનદુઃખના કારણે આરોપીઓએ ફરીયાદી તથા તેના દીકરા રાહુલ ઉપર ફરીયાદીના ઘરે આવી ફળીયામાં પ્રવેશ કરી આરોપી મુન્નો તથા બીજા બે અજાણ્યા માણસોએ રાહુલને લોંખડના પાઇપ તથા ગુપ્તી જેવા હથિયાર વડે માર મારેલ તથા ફરીયાદીને આરોપી મહેન્દ્ર તથા ભાણજીભાઇએ લોંખડના પાઇપ વડે માર મારી ફરીયાદીના ડાબા હાથમાં ફેકચર કરી તથા સાહેદ રાહુલને ડાબા પગમાં પોંચામા તિક્ષ્ણ હથિયારથી ઇજા કરી તથા તેના હાથમાં તથા વાસામાં મુઢ ઇજાઓ કરી હતી.