ગાંધી વિચારો, લડત વિદ્યાર્થીઓના મનમાં ઉતારવા નવા ગળોદરની શાળામાં દાંડીયાત્રા યોજાઇ

નમક કા કાનુન તોડ દીયા, દાંડીયાત્રા ૧૨ માર્ચ જેવા પોસ્ટર સાથે ગામની ગલીઓમાં દાંડીયાત્રા નિકળતા ગામ લોકો નિહાળતા રહ્યા

જૂનાગઢ : ૧૨ માર્ચના રોજ સાબરમતી આશ્રમથી દાંડી યાત્રાની ગાંધીજી દ્વારા શરૂઆત કરવામાં આવી હતી. આ યાત્રાના માધ્યમથી ગાંધીજીએ અંગ્રજોના નમક કા કાનુન તોડ દીયા થા. ગાંધીજીના વિચારો, લડત અંગે વિદ્યાર્થીઓ માહિતગાર થાય તે માટે માળિયા હાટીના તાલુકાના નવા ગળોદર ગામની પ્રાથમિક શાળામાં શિક્ષકો દ્વારા દાંડીયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના ૫૫ વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા નમક કા કાનુન તોડ દીયા, દાંડીયાત્રા ૧૨ માર્ચ જેવા પોસ્ટરો સાથે પ્રાથમિક શાળાથી ગ્રામ પંચાયત સુધીની દાંડીયાત્રા યોજાઇ હતી. દાંડીયાત્રા ગામની ગલીઓમાંથી પસાર થતા જ ગામ લોકો નિહાળતા રહી ગયા હતા.

મહાત્મા ગાંધીજીના વિચારો, લડત થકી આપણા દેશને આઝાદી મળી છે. દાંડી સત્યાગ્રહ અથવા દાંડીકુંચ એ મહાત્મા ગાંધીજીના નેતૃત્વમાં અંગ્રેજ શાસન સામે કરવામાં આવેલ અહિંસક સવિનય કાનુનભંગની ચળવળ હતી. ૧૨ માર્ચથી ૬ એપ્રિલ ૧૯૩૦ દરમિયાન ૨૪ દિવસ સુધી ચાલેલી આ લડતમાં અંગ્રેજ સરકારના મીઠા પરના એકાધિકાર તેમજ મીઠા પર લગાડવામાં આવેલા કર વિરૂધ્ધ અહિંસક પ્રતિરોધ દ્વારા પ્રત્યક્ષ કાર્યવાહીનું અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું.
આ દાંડીયાત્રાની લડતથી વિદ્યાર્થીઓ માહિતગાર થાય તે માટે નવા ગળોદર પ્રાથમિક શાળાના આચાર્ય હરસુખભાઇ ચંદવાણિયા, હિતેન્દ્રભાઇ બગડા, મનીષાબેન રાણપરીયા અને કિંજલબેન રાઠોડ દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી શાળામાં દાંડીયાત્રાનું આયોજન કરવામાં આવે છે. જેમાં ૧૨ માર્ચ ૨૦૨૨ના રોજ શાળા દ્વારા ૫૫ વિદ્યાર્થીઓમાંથી ૨ બાળકોને ગાંધીજી બનાવી શાળાથી ગ્રામ પંચાયત સુધી દાંડીયાત્રા યોજવામાં આવી હતી અને આ દાંડીયાત્રા અને ગાંધીજીની લડત અંગે વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા. શાળાના વિદ્યાર્થીઓ દ્વારા નમક કા કાનુન તોડ દીયા, દાંડીયાત્રા ૧૨ માર્ચ સહિતના પોસ્ટરો સાથે ગામની ગલીઓમાં દાંડી યાત્રા નિકળતા ગામ લોકો બાળકોને દાંડીયાત્રામાં નિહાળતા રહ્યા હતા અને ગામ લોકો દ્વારા શાળા શિક્ષકોની આ કામગીરીને બિરદાવવામાં આવી હતી.