ઉનાળુ વાવેતરના સમયે જ વીજ ધાંધિયાથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા

વિસાવદરના ધારાસભ્યએ ખેડૂતોને નિયમિત પૂરતા પ્રમાણમાં વીજ પુરવઠો આપવા મુખ્યમંત્રીને રજુઆત કરી

જૂનાગઢ : જુનાગઢ જિલ્લા સહિત રાજ્યભરમાં હાલ ઉનાળુ વાવેતરની સિઝન ચાલી રહી છે. પણ અણીના સમયે જ વીજધાંધિયા થઈ રહ્યા છે. વારંવાર વીજળી ગુલ થવાથી ખેડૂતોના વાવેતર કામમાં વિક્ષેપ પડે છે અને ખેડૂતોને ભારે મુશ્કેલી પડે છે. તેથી ઉનાળુ વાવેતરના સમયે જ થઈ રહેલા વીજ ધાંધિયા દૂર કરી ખેડૂતોને નિયમિત પૂરતા પ્રમાણમાં વીજ પુરવઠો આપવાની માંગ સાથે વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રિબડીયાએ મુખ્યમંત્રીને રજુઆત કરી છે.

રજુઆતમાં તેઓએ જણાવ્યું હતું કે, રાજ્યના ખેતીવાડી વિસ્તારોમાં પાવર કટનો અમલ કરવામાં આવતો હોવા બાબત મારી સમક્ષ ખેડૂતભાઈઓ દ્વારા અવારનવાર રજૂઆત કરવામાં આવેલ છે. મારી સમક્ષ થયેલ રજૂઆતો અન્વયે મૈં સંબંધિત સમક્ષ તથા વિધાનસભા ગૃહમાં પણ રાજ્યના ખેડૂતોને દિવસ દરમ્યાન ૮ કલાક સતત વીજળી આપવા, ખેતીવાડી વીજ કનેકશનમાં દિવસે બે-ત્રણ કલાકના કાપના નામે લોડ સેટિંગ ઉદ્યોગમાં દિવસના કાપ આપીને ખેતી બચાવવા રજૂઆતો કરેલ છે, છતાં કોઈ પરિણામ મળતું નથી.

રાજ્યના ખેડૂતોને આઠ કલાકને બદલે માત્ર ચારથી છ કલાક જેટલો જ વીજપુરવઠો અને તે પણ સતત આપવાના બદલે અનિયમિત રીતે આપવામાં આવે છે. રાજ્ય સરકારે કિસાન સૂર્યોદય યોજના’ બનાવીને ખેડૂતોને દિવસના ભાગે વીજળી આપવાની વાત કરી હતી, પરંતુ સરકાર તેમાં નિષ્ફળ ગઈ છે. ખેડૂતો વીજ કચેરીઓમાં ફરિયાદ કરવા જાય છે ત્યારે અધિકારીઓ દ્વારા ઉપરછલ્લા જવાબો આપી આ બાબતો તેમની સત્તામાં ન હોવાની અને આ અંગે ઉપલી કક્ષાએ રજૂઆત કરવાનું જણાવવામાં આવે છે. હાલ ખેડૂતો દ્વારા ઉનાળુ પાકનું વાવેતર ચાલુ છે, ત્યારે ખેડૂતોએ ખેતરમાં વાવેલ પાકને સતત બે પિયત આપવાની જરૂરિયાત હોય છે. એક વખત પિયત આપ્યા બાદ બીજું પિયત તાત્કાલિક ન અપાય તો વાવેલ પાક ઉગી શકશે નહીં અને ખેડૂતોને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવશે. વળી, જે ખેડૂતોના કૂવામાં પાણી છે તેવા ખેડૂતો પણ વીજપુરવઠાના અભાવે નિયત સમયમાં પિયત કરી શકશે નહીં.

વધુમાં જણાવ્યું હતું કે આ બાબત ખેડૂતોને સીધી સ્પર્શતી હોઈ, ખેડૂતોને ઉનાળુ પાક માટે વાવેતરની સીઝન હોઈ, ખેડૂતો પોતાના ખેતરમાં વાવેતર કરી શકે તે માટે, રાજ્યના ખેડૂતોને અપાતા વીજપુરવઠામાં લોડ સેટીંગ ન કરી વીજપુરવઠો નિયમિત રીતે મળી રહે તેવી જરૂરી કાર્યવાહી સત્વરે કરાવવાની તેઓએ માંગ ઉઠાવી છે.