તાવ-કમળો અને ટાઇફોઇડની બીમારીમાં તરુણીએ જીવ ગુમાવ્યો

જૂનાગઢ જિલ્લામાં હાલ વાયરલ ઇન્ફેક્શનજન્ય બીમારી વધુ ફેલાય હોવાથી આરોગ્ય તંત્ર યોગ્ય ધ્યાન આપે તેવી માંગ

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લામાં હાલ ઋતુ પરિવર્તનના કારણે વાયરલ ઇન્ફેક્શનજન્ય બીમારી વધુ ફેલાય છે. જેમાં તાવ-કમળો અને ટાઇફોઇડની બીમારીમાં તરુણીએ જીવ ગુમાવ્યો હોવાની ઘટના સામે આવતા હવે રોગચાળો કાબુ બહાર ન જાય તે માટે આરોગ્ય તંત્ર યોગ્ય ધ્યાન આપે તેવી માંગ ઉઠી છે.

વીસાવદરના બરડીયા ગામે રહેતી દર્શનાબેન મહેંદ્રભાઇ સરવૈયા (ઉ.વ.૧૫) નામની તરુણીને છેલ્લા પાંચેક દીવસથી તાવ-કમળો તેમજ ટાઇફોઇડની બીમારી લાગુ પડી હતી અને આ બીમારીની સારવાર ચાલુ હોય તે દરમ્યાન તબીયત વધારે ખરાબ થતા બીમારીના કારણે તેણીનું મોત નીપજ્યું હતું. જો કે હાલ જૂનાગઢ જિલ્લામાં તાવ, કમળો જેવા રોગોએ માથું ઊંચક્યું છે. આવી બીમારીઓ વધુ ફેલાય રહી છે. ખાસ કરીને બાળકોમાં રોગપ્રતિકારક શક્તિ ઓછી હોવાથી આવી બીમારીઓનો ઝડપથી શિકાર બની જાય છે ત્યારે કમળો અને ટાઇફોઇડનો શિકાર બનેલી તરુણીએ સારવાર દરમિયાન દમ તોડી દીધો હોય હવે પછી રોગચાળો કાબુ બહાર ન જાય તે માટે તંત્ર યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે.