વિસાવદર માર્કેટિંગ યાર્ડમાં 13 દિવસ થવા છતાં ચણાની ખરીદી શરૂ ન‌ થતા હોબાળો

અંદરોઅંદરના વિખવાદને કારણે વગર વાંકે ખેડૂતો હેરાન થતા હોવાથી કોંગી ધારાસભ્ય મેદાને આવ્યા, આંદોલનની ચીમકી આપતા તંત્રમાં દોડધામ

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લાના વિસાવદર માર્કેટિંગ યાર્ડમાં 13 દિવસ થવા છતાં ચણાની ખરીદી શરૂ ન‌ થતા હોબાળો મચી ગયો છે. અંદરોઅંદરના વિખવાદને કારણે વગર વાંકે ખેડૂતો હેરાન થતા હોવાથી કોંગી ધારાસભ્ય મેદાને આવ્યા છે અને ભાજપ ઉપર આક્ષેપ કરી આંદોલનની ચીમકી આપતા તંત્રમાં દોડધામ મચી ગઇ છે.

વિસાવદરના માર્કેટિંગ યાર્ડમાં હજુ સુધી ચણાની ખરીદી શરૂ થઈ નથી. જેમાં યાર્ડના સત્તાધીશોએ જગ્યા આપવાનો ઇનકાર કરતા ૧૩ દિવસ થવા છતાં ખરીદી શરૂ થતી નથી. ભાજપના અંદરોઅંદરના વિખવાદના કારણે ખેડૂતો હેરાન થઈ રહ્યા હોવાના આક્ષેપ સાથે કોંગી ધારાસભ્ય હર્ષદ રિબડિયા મેદાને આવ્યા છે અને ભાજપ શાસિત મંડળીને જ યાર્ડમાં જગ્યા આપવા ઇનકાર કર્યો હોય માર્કેટિંગ યાર્ડમાં ભાજપનું શાસન હોવાથી ખેડૂતો અંદરોઅંદરના વિખવાદને કારણે હેરાન થઈ રહ્યાનો આક્ષેપ કર્યો છે. બીજા જૂથને ખરીદી મળી હોવાથી યાર્ડમાં જગ્યા આપવા ઈન્કાર કર્યો હોવાનું તેમજ યાર્ડના ચેરમેને પોતાની સંસ્થાને મંડળીને યાર્ડમાં ખરીદી કરવાની મંજૂરી આપી હોવાથી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવનાર 6000 ખેડૂતોને ટેકાનો લાભ મળવો દુષ્કર બન્યો છે. આથી કોંગી ધારાસભ્ય હર્ષદ રિબડિયાએ ખરીદી શરૂ કરવા માંગ કરી આંદોલનની ચીમકી આપતા તંત્રમાં દોડધામ મચી ગઇ છે.