ધરારથી સબંધ રાખવા દબાણ કરી કિન્નર ઉપર હુમલો અને ઘરમાં તોડફોડ

જૂનાગઢના ગુ.હા.બોર્ડ કોલોનીમાં બે શખ્સોએ ઘૂસીને આંતક મચાવ્યો

જૂનાગઢ : જૂનાગઢના ગુ.હા.બોર્ડ કોલોનીમાં રહેતા કિન્નરે સબંધ તોડી નાખતા ઉશ્કેરાયેલા બે શખ્સોએ ધરારથી સબંધ રાખવા દબાણ કરી કિન્નરો ઉપર હીંચકારો હુમલો કર્યો હતો.અને તેમના ઘરમાં ઘુસી તોડફોડ કરી ઘરવખરીને નુકસાન પહોંચાડીને આંતક મચાવ્યો હતો. આ બનાવ અંગે કિન્નરે બે શખ્સો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

જૂનાગઢ સી ડીવીજન પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી ફીઝાકુંવર સોનુંકુવર કિન્નર (માસી, ઉં.વ.૩૧ રહે. ગુ.હા.બોર્ડ કોલોની એલ-૦૯ જ્યોતેબેનની દુકાનની સામે વાળા મકાનમાં જુનાગઢ) એ આરોપીઓ આદીલભાઇ રઝાકભાઇ સોલંકી (રહે-સુખનાથ ચોક તાર બંગલા પાસે જુનાગઢ), કારો ફકીર (રહે.ધારાગઢ દરવાજા જુનાગઢ) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ફરીયાદી કિન્નરને એક આરોપી સાથે છેલ્લા દસ બાર વર્ષથી સબંધ હોય અને હાલમાં છેલ્લા કેટલાય સમયથી તે ફરી સાથે મારકુટ કરતો હોય જેથી ફરીયાદીએ આરોપી સાથે સબંધ ઓછા કરી નાખતા ધરારથી સબંધ રાખવા કહેતો હોય અને ફરીયાદીના પાડતા હોય અવાર-નવાર ફરીયાદીના ઘરે જઇ માર-કુટ કરતો હોય જેથી ફરીયાદીએ આરોપીને કહેલ કે અવાર નવાર માર-કુટ કરવા અંગે પોલીસ કેસ કરીશ તેમ કહેલ હોય જે વાતનું મનદુખ રાખી આરોપીઓએ ફરીયાદીના ઘરે આવી ઘરના દરવાજા બારી બારણા તોડફોડ નુકશાન કરી લોખંડના ધારીયુ તથા છરી વડે ફરીયાદીને ડાબા હાથના કાંડા પાસે તેમજ ખંભાના ભાગે તેમજ સાહેદને ગળાની ડાબી બાજુ છરી વડે ઇજાઓ પહોંચાડી માર-કુટ કરી ફરીયાદી તથા સાહેદને મુંઢ ઇજાઓ પહોચાડી હતી.