જૂનાગઢના કેરાળામાં પ્રદુષણ બોર્ડ જમીનોને બંજર બનાવી દીધી

કિશાન ક્રાંતિ ટ્રસ્ટનો પ્રદુષણ નિયંત્રણ કચેરી બોર્ડ ઉપર સણસણતો આક્ષેપ

જૂનાગઢ : જૂનાગઢના કેરાળા ગામે નદીમાં ફરી જેતપુર તરફથી કેમિકલયુક્ત પ્રદુષિત પાણી આવતા ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. આ મામલે જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઈ જોશી તેંમજ કિશાન કાંતિ ટ્રસ્ટના અગ્રણીએ કેરાળા ગામે દોડી જઈને જેતપુર તરફથી આવતા કેમિકલ યુક્ત પાણી મામલે પ્રદુષણ બોર્ડ ઉપર આક્ષેપની ઝંડી વરસાવી હતી અને કેરાળામાં પ્રદુષણ બોર્ડ જમીનોને બંજર બનાવી દીધી હોવાનો પ્રદુષણ નિયંત્રણ કચેરી બોર્ડ ઉપર સણસણતો આક્ષેપ કર્યો છે.

જૂનાગઢના કેરાળા ગામે રહેતા સ્થાનિક અગ્રણી લખમણભાઈ સુવાએ જણાવ્યું હતું કે, તેમના ગામની નદીમાં પાણી અશુદ્ધ બની ગયું છે. જેમાં જેતપુરના સાડી ઘાટ ઉપરથી આ કેમિકલ યુક્ત પાણી અમારા ગામની નદીમાં આવતું હોવાથી આ પાણી પીવામાં તો ઠીક વપરાશમાં પણ ઉપયોગ લઈ શકાતો નથી. આ પ્રદુષિત પાણી ઢોર પણ પિતા નથી,ખેતીની જમીન પણ બંજર થઈ જાય છે. જો પીવામાં ઉપયોગ લેવામાં આવે તો ચામડીના ભયંકર રોગ થાય છે. આથી ઉપરથી આવતું કેમિકલ યુક્ત પાણી બંધ થાય તેવી માંગ કરી છે.

જ્યારે જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઈ જોશીએ જણાવ્યું હતું કે, આ ગામના લોકોની વેદના સાવ સાચી છે. ઉપરથી આવતું પાણી કેમિકલયુક્ત હોવાથી આ ગામ ઉપરાંત અન્ય ગામોને પણ ભારે ગંભીર અસર થાય છે. પ્રદુષિત પાણીથી ગંભીર રોગો થતા હોય અગાઉ સંકલન સમિતિ તેમજ વિધાનસભા પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો અને બે વખત ઘાટ પણ તોડાવી નાખ્યા હતા. પણ આ પ્રશ્ન ઠેરનો ઠેર રહ્યો છે. દર દિવસથી નદી બંધ હતી પણ ફરી પાછું પાણી ચાલુ થઈ ગયું છે. તેથી ગામલોકોના હિતમાં જવાબદાર સામે કડક કાર્યવાહી થવી જોઈએ.

તેમજ કિશાન ક્રાંતિ ટ્રસ્ટના ઉપાધ્યક્ષ કિશોર પટોડીયાએ પ્રદુષણ બોર્ડ સામે આક્ષેપ કરતા કહ્યું હતું કે, પ્રદુષણ બોર્ડ દ્વારા ખેડૂતોની કેમતી જમીન બંજર કરવામાં આવતી હોવાનો આરોપ મૂક્યો હતો અને કીમિયલયુક્ત પાણીથી ખેડૂતોની જમીન બંજર થવાની સાથે કેન્સર જેવા રોગો પણ થાય છે. ભૂગર્ભના તળ પ્રદુષિત થતા ખેડૂતોને ગંભીર પરિણામો ભોગવવા પડે છે. જો કે આ મામલે લડત ચલાવ્યા છતાં ઉકેલ ન આવતા તંત્ર ઉપર ભ્રષ્ટાચારનો આરોપ મૂકી વહેલીતકે આ ગંભીર સમસ્યાનું નિવારણ કરવાની માંગ ઉઠાવી છે.