વ્યાજે લીધેલા 10 હજારના 45 હજાર ચૂકવી દીધા છતાં 95 હજારની પઠાણી ઉઘરાણી

કેશોદના ઇન્દ્રાણા ગામે યુવકને વ્યાજખોર શખ્સે છરીની અણીએ ધમકાવ્યો

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લામાં ચામડાતોડ વ્યાજ વસુલતા વ્યાજખોરો બેફામ બન્યા હોવાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. કેશોદના ઇન્દ્રાણા ગામે યુવકે વ્યાજે લીધેલા 10 હજારના આકરા વ્યાજ સાથે 45 હજાર ચૂકવ્યા હોવા છતાં વ્યાજખોર શખ્સે 95 હજારની પઠાણી ઉઘરાણી છરી બતાવીને ધમકી આપતા સમગ્ર મામલો હવે પોલીસમાં પહોંચ્યો છે.

કેશોદ પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી મનદીપભાઇ જગદીશભાઇ ચુડાસમા (ઉ.વ.૨૯ રહે. કેશોદ ઇન્દિરાનગર પાણીના ટાંકા પાસે) એ આરોપી આદીત્ય ઉર્ફે ગાંધી સોલંકી (રહે.બોલ્ડીંગ વાસ જુનાગઢ) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ફરીયાદીએ અગાઉ આરોપી પાસેથી રૂપીયા ૧૦,૦૦૦ વ્યાજે લીધેલા હોય અને તેમણે બળજબરીથી ફરીયાદી પાસેથી વ્યાજ સહીત રૂપીયા ૪૫,૦૦૦ અલગ અલગ રીતે લઇ લીધેલ હોય તેમ છતા આરોપીએ ફરીયાદી પાસે હજુ પણ રૂપીયા ૯૫,૦૦૦ ની પઠાણી ઉઘરાણી કરી ફરીયાદીને અવાર નવાર ધમકીઓ આપી છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે આ બનાવની ફરિયાદ પરથી આરોપી સામે ગુજરાત મનીલેન્ડર્સ એકટ હેઠળ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.