વોટ્સએપમાં ચેટિંગ મામલે યુવક ઉપર લાકડી અને પાઈપથી હીંચકારો હુમલો

જૂનાગઢના માખીયાળા ગામે મારામારીના બનાવમાં પાંચ સામે હુમલાની ફરિયાદ

જૂનાગઢ : જૂનાગઢના માખીયાળા ગામે વોટ્સએપમાં ચેટિંગ મામલે યુવક ઉપર લાકડી અને પાઈપથી હીંચકારો હુમલો થયાનો બનાવ સામે આવ્યો છે. જેમાં યુવક ઉપર પાંચ આરોપીઓએ હુમલો કર્યો હોવાની ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.

જુનાગઢ તાલુકા પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર હિતેષભાઇ હરીભાઇ ગજેરા (રહે સરકારી ડેરીની બાજુમાં મેઇન રોડ માખીયાળા તા.જી જુનાગઢ) એ આરોપીઓ જીજ્ઞેશ કાન્તીલાલ ગજેરા, કાન્તીલાલ દેવજીભાઇ ગજેરા, ગોપાલભાઇ વલ્લભભાઇ ટીલાળા (રહે. ત્રણેય માખીયાળા), મીલન ગોપાલભાઇ ટીલાળા (રહે. ઝાંઝરડા ચોકલી પાસે જુનાગઢ) તથા એક અજાણ્યા ઇસમ સામે ફરિયાદ નોંધાવી હતી કે, ફરીયાદી તથા સાહેદ માખીયાળા ગામ શાપલદા માંના મંદીરની બાજુમાં બાકડે બેઠા હતા. ત્યારે ફરીયાદીને વોટસઅપમા ચેટીંગ બાબતે આરોપીઓ સાથે વોટસઅપ ગ્રુપમા બોલાચાલી થતા ઉશ્કેરાયેલા આરોપીઓએ લાકડી તથા પાઇપ તથા પત્થર જેવા હથીયારો ધારણ કરી ફરીયાદી તથા સાહેદને માથાના ભાગે ઇજા પહોંચાડી હતી. પોલીસે આ બનાવની ફરિયાદ પરથી આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.