મેંદરડાના સમઢિયાળા ખાતે મહિલા સ્વરોજગાર મેળો યોજાયો

સરકારની મહિલાલક્ષી વિવિધ યોજના અંગે ભાગ લેનાર ૫૦૭ બહેનોને માર્ગદર્શન અપાયું

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્રવારા મહિલા સ્વાવલંબન યોજના કાર્યરત છે. જે અંતર્ગત ૮ માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે મહિલા આર્થિક વિકાસ નિગમ દ્વારા મેંદરડા તાલુકાના સમઢિયાળા ખાતે મહિલા સ્વરોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં મહિલા અને બાળ અધિકારીની કચેરી અંતર્ગત ચાલતા વિવિધ યોજનાકીય પ્રકલ્પોમાંથી સખી વન સ્ટોપ સેન્ટર, પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સ્ટેશન, ૧૮૧ અભયમ્ મહિલા હેલ્પલાઇન તથા લીગલ સર્વિસ ઓથોરિટીમાંથી એડવોકેટ તથા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીમાંથી તાલુકા લાઇવલીહુડ મેનેજર તથા ઇન્ડિયન માઇક્રો ફાઇન્સ ઓફ વુમન સંસ્થામાંથી સેન્ટર ફોર ફાઇનાન્સિયલ લીટ્રસીના કાઉન્સેલર સહિતનાઓ દ્વારા મહિલાઓને આર્થિક ઉપાર્જન કઇ રીતે કરી શકાય અને તેમાં સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગની મહિલા સ્વાવલંબન યોજના, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની બેન્કબલ યોજના સહિત વિવિધ યોજનાઓનો મહિલાઓ કઇ રીતે લાભ લઇ દેશના વિકાસમાં હિસ્સેદારી નોંધાવી શકે તથા મહિલાઓ આત્મનિર્ભર બને તેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત કિટ અને આઇઇસી વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ૫૦૭ જેટલી બહેનોએ ભાગ લઇ સરકારશ્રીની મહિલાલક્ષી યોજના વિશે માહિતી મેળવી હતી. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન મહિલા શક્તિ કેન્દ્રની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.