વેચાતો લીધેલો ટ્રક પાછો લઈ અસલ ડોક્યુમેન્ટ કઢાવવા યુવકનું અપહરણ કરી માર માર્યો

ચોરવાડ નજીક આવેલ ગડુ ગામેં બનેલી ઘટનામાં પાંચ સામે ગુન્હો દાખલ

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લાના ચોરવાડ નજીક આવેલ ગડુ ગામેં ટ્રક અગાઉ વેચાતો આપ્યા બાદ પાંચ શખ્સોએ એ ટ્રકને પડાવી લઈ ઉપરાંત ટ્રકના અસલ ડોક્યુમેન્ટ કઢાવવા યુવકનું બળજબરીથી કારમાં અપહરણ કરી જઈ માર માર્યો હોવાનો બનાવ સામે આવતા ચકચાર મચી ગઇ છે. આ બનાવ અંગે યુવકે ફરિયાદ નોંધાવતા પોલીસે પાંચેય આરોપીઓ સામે ગુન્હો નોંધી ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

ચોરવાડ પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી સુનીલભાઇ કાનજીભાઇ દેવાતકા બારોટ (ઉ.વ.૩૪ રહે. મધુરમ બાયપાસ સુદામા પાર્ક સોસાયટી જુનાગઢ) એ આરોપીઓ લખમણભાઇ લાધાભાઇ કોડીયાતર, બાવનભાઇ (રહે. બંને રબારી કેડા દેગામ તા.જી.પોરબંદર), ભરતભાઇ સાંગાભાઇ રબારી (રહે. પોરબંદર) તથા બે અજાણ્યા માણસો સામે ફરિયાદ નોંધાવી હતી કે, ફરીયાદીએ એક આરોપી પાસેથી ટ્રક નંબર GJ-25-U-9423નો વેચાતો લીધેલ તે ટ્રક આરોપીઓ પાછો લઇ ગયેલ જે અંગેનાં વિવાદનું મનદુ:ખ ચાલતુ હોય તેના કારણે આરોપીઓએ ફરિયાદી પાસેથી ટ્રકનાં વેચાણનાં અસલ કાગળીયાઓ સ્ટેમ્પ પેપર તથા આર.સી. બુક બળજબરીથી કઢાવી લેવાના આશયથી આરોપીઓએ કાળા કલરનાં સ્કોર્પીયો નંબર GJ-11-BR-0020માં ફરિયાદીનું અપહરણ કરી ગડુથી જુનાગઢ સુધી લઇ જઇ માર મારી ભુંડી ગાળો કાઢી છરી બતાવી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.