બાંધકામ વપરાશના પ્રમાણપત્ર મુદ્દે હવે વિપક્ષ પણ મેદાને આવ્યું

બીયું સર્ટીફિકેટ લેવાની બિલ્ડરની અને આપવાની જવાબદારી મહાપાલિકાની હોવાથી પ્રજાને દંડી ન શકાય

જૂનાગઢ : હાલ જુનાગઢ મહાનગરપાલિકામાં બાંધકામના બીયું સર્ટી એટલે કે બીલ્ડીંગ યુટીલાયજેશનના સર્ટીફીકેટ અંગેનો વિવાદ ચાલુ થયો છે.ત્યારે વિપક્ષ પણ મેદાને આવ્યું છે અને જુનાગઢ મહાનગરપાલિકામાં લગભગ ૯૦% ઉપરના બિલ્ડીંગો પાસે આ બીયું સર્ટીફીકેટ નહી હોવાનું તેમજ આ બીયુ સર્ટીફીકેટ આપવાની જવાબદારી મહાનગરપાલિકાના કર્મચારીઓ અને અધિકારીઓની છે. તેમજ આ મેળવવાની જવાબદારી બાંધકામ કરતા બીલ્ડરોની છે. જેથી બીલ્ડીંગ વપરાશ કર્તાને આની સજા ન આપી શકાય તેવું સ્પષ્ટ પણે જણાવ્યું છે.

જુનાગઢ મહાનગરપાલિકાના વિપક્ષી નેતા અદ્રેમાનભાઈ એ.પંજા, વોર્ડ નંબર 8ના કોર્પોરેટર સેનીલા એ. થઈમ અને જેબનીશા કાદરીની સયુંકત યાદીમાં જણાવ્યા મુજબ જૂનાગઢમાં છેલ્લા ૩૦ થી ૪૦ વર્ષથી જે બાંધકામ ઉભા છે તે તમામ બાંધકામોમાં હાલ જે બીલ્ડીંગનો વપરાશ કરે છે તે સામાન્ય પ્રજા કે જેઓએ પોતાની પાઈ પાઈ એકઠી કરીને પોતાની મરણ મુડીમાંથી પોતાના ધંધા માટે દુકાન, ઓફીસો, મકાન, હોસ્પીટલ ખરીદ કરી હોય અને હવે જયારે અટલા વર્ષો બાદ મહાનગરપાલિકા અચાનક જ સફાળી બેઠી થઈ અને બી.યુ. સર્ટીફીકેટ વગરના તમામ બાંધકામો સીલ કરવા નિકળે તો આટલા વર્ષ બી.યુ. સર્ટી વગરની બીલ્ડીંગોને કેમ સીલ કરવામાં ન આવી તે એક મોટો પ્રશ્ન છે ?

મ.ન.પા. મોટા મોટા ભ્રષ્ટાચાર કરીને બાંધકામ મંજુરી આપે છે ત્યાર બાદ તેઓની જવાબદારી છે કે બાંધકામ મંજુરી મુજબ થાય છે કે કેમ તેની તપાસ કરવી. બાંધકામ પૂર્ણ થયા બાદ કમ્પ્લીશન સર્ટીફીકેટ મેળવવાના હોય છે તે બીલ્ડરો ધ્વારા મેળવવામાં આવેલ છે કે નહી આ તમામ બાબતો જોયા વગર મહાનગરપાલિકા વર્ષોથી આવી મિલ્કતોનો હાઉસ ટેકસ પણ વસુલ કરે છે. જો મહાનગરપાલિકા ઘ્વારા હાઉસ ટેકસની આકારણી વખતે જ આવા બધા ડોક્યુમેન્ટ જેમ કે કમ્પ્લીશન સર્ટી, બી.યુ. સર્ટી. વિગરે માંગવામાં આવ્યા હોત તો આવી નોબત જ ન આવત.

પરંતુ માત્ર ને માત્ર મહાનગરપાલિકાના અધિકારી, કર્મચારી ભ્રષ્ટાચાર કરી બાંધકામ મંજુરી આપી પોતાની જવાબદારીમાથી છટકી જઈ પ્રજાને હેરાન પરેશાન કરવા માગે છે. અને હવે ૨૫–૩૦ વર્ષ બાદ બી.યુ. સર્ટીફીકેટ ન હોય તેના બીલ્ડીંગ સીલ કરવા નીકળે તે કેટલે અંશે વ્યાજબી અને ન્યાયીક છે.

જેથી જો કોઈને દંડ કરવો હોય તો આવા ભ્રષ્ટાચારથી મોટી મોટી બીલ્ડીંગો ઉભી કરી વેચી ને જતા રહેલા બીલ્ડરોને દંડ કરવો જોઈએ નહી કે સામાન્ય,ગરીબ અને મધ્યમ વર્ગના લોકો પોતાની મરણ મુડીમાંથી ખરીદ કરેલ બીલ્ડીંગને સીલ કરી તેઓના ધંધા, રોજગાર ને બંધ કરવાની આ નીતી છોડી દેવી જોઈએ. હાલ જે હોસ્પીટલોને સીલ કરવાથી દર્દીઓ હેરાન પરેશાન થઈ જશે. અને આ પ્રક્રિયામાં કોઈ દર્દીનુ મોત નીપજશે તો તેની જવાબદારી કોના શીરે ?

આમ છતા આ બાબતે મહાનગરપાલિકાએ વચ્ચેનો રસ્તો કાઢી જુના તમામ બાંધકામોને બી.યુ. સર્ટીફીકેટ ઈશ્યુ કરવા જોઈએ તેમજ આ બાબતે બીલ્ડીંગના વપરાશ કર્તાઓને બી.યુ. સર્ટીફીકેટ મેળવવવા માટેનો વ્યાજબી સમય પણ આપવો જોઈએ તેમ રજૂઆતના અંતે જણાવ્યું છે.