વ્યાજના ચક્કરમાં ફસાયેલા વેપારીને વ્યાજખોરોના ત્રાસમાંથી મુક્ત કરાવતી જૂનાગઢ પોલીસ

વ્યાજખોરને પોલીસની ભાષામાં સમજાવી દેતા એક્ટિવા, આરસી બુક, ટિટીઓ ફોર્મ, કોરા ચેક પાછા આપી દીધા

જૂનાગઢ : જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીન્દર પ્રતાપસિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા વ્યાજખોરો વિરુદ્ધ પ્રજાની મદદ કરવાની અને તેઓને કોઈ વ્યાજખોરો તરફથી બળજબરી કરવામાં આવતી હોય, વ્યાજના હપ્તાઓ માટે પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હોય, બળજબરીથી નાણાં કઢાવવા માટે ધમકીઓ આપવામાં આવતી હોય કે ગેર કાયદેસર વ્યાજ વટાવનો ધંધો કરવામાં આવતો હોય, તેઓની માહિતી આપવા હેલ્પ લાઇન નંબર આપી, મદદ માંગવા જાણ કરવામાં આવેલ છે.જૂનાગઢ પોલીસ તરફથી અવાર નવાર મદદ કરવામાં આવે છે, તેમજ જરૂર જણાએ વ્યાજખોર વિરુદ્ધ ગુન્હાઓ નોંધી, પાસા ધારા મુજબ પણ પગલાઓ ભરવામાં આવતા હોવાથી, વ્યાજખોરોમાં ફફડાટ ફેલાયો છે. દરમિયાન વ્યાજના ચક્કરમાં ફસાયેલા વેપારીને વ્યાજખોરોના ત્રાસમાંથી મુક્ત કરાવ્યો હતો.

જૂનાગઢ શહેરના વણઝારી ચોક વિસ્તારમાં રહેતા અને રાયજી બાગ ખાતે ભાડાની કરિયાણાની દુકાન ચલાવી પોતાનું ગુજરાન ચલાવતા રાજીવભાઈ (નામ બદલાવેલ છે…) કોરોના સમયે પોતાના માતા પોતાની સારવાર કરવા જરૂરીયાતના કારણે પોતાના ઓળખીતા વ્યક્તિ પાસેથી 40 હજાર રૂપિયા વ્યાજે લીધેલા અને આ રૂપિયા આપતી વખતે જ રૂ. 10,000 કાપી, રૂ. 30,000 આપી, દરરોજ રૂ. 100, ચારસો દિવસ સુધી આપવાના નક્કી કર્યા હતા. આ વ્યાજે રૂપિયા આપનારે અરજદારની એક્ટિવા મોટર સાયકલને આરસી બુક, કોરા ચેક અને આધાર કાર્ડ પણ લઈ લીધેલ હતા. પોતાના માં બાપની સારવાર અને ત્યારબાદ કોરોના કાળમાં ધંધામાં બેરોજગારીના કારણે રૂ. 26,000 જેટલા આપ્યા બાદ રૂપિયા 14,000 આપી ના શકવાના કારણે વધુ બે મહિનાનો સમય માંગતા, વ્યાજખોર દ્વારા 3,000 રૂપિયા પેનલટીના ચઢાવી, બે મહિના બાદ રૂ. 17 હજાર આપવાની ધમકી આપી, બે મહિના પછી પણ અરજદાર રૂપિયાને પહોંચી ના શકતા, અરજદારની એક્ટિવા મોટર સાયકલ બળજબરીથી લઈ જઈ, ટીટીઓ ફોર્મમાં સહી કરી, પોતાની જાતે કોઈને વહેંચી રૂ. 14 હજાર આવેલ હોય હજુ ત્રણ હજાર દેવાના થાય છે અને બે દિવસમાં નહિ આપો તો, કોરા ચેક મનફાવે એવી રકમ ભરી, ચેક રિટર્ન ની ફરિયાદ કરવાની ધમકી આપતા, અરજદારની હાલત કફોડી હોવા છતાં, ઘરે જઈને હેરાન કરવાનું તથા ધમકી આપવાનું શરૂ કરતાં, અરજદાર અને તેની પત્ની વ્યાજખોરની પઠાણી ઉઘરાણીથી કંટાળી, અરજદાર એટલો બધો મુંજાયેલો કે, અરજદાર ગમે તેમ કરે, તો પણ વ્યાજખોરના વ્યાજને પહોંચી શકે તેમ ના હોઈ, માનસિક સ્થિતિ ખૂબ જ બગડી ગયેલ હતી. અરજદાર પાસે કોઈ રસ્તો ના હોઈ પોતાની પત્ની સાથે જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાને અરજદાર રૂબરૂ મળી આખી વિગત જણાવી, રડવા લાગેલ અને વ્યાજખોર દ્વારા પોતાનું જીવન ઝેર કરી દીધેલાનું જણાવેલ હતું.

જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ શહેરના સી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઇ જે.જે.ગઢવી, સ્ટાફના હે.કો. નારણભાઇ, ઇન્દુભા, પો.કો. આઝાદસિંહ, સંજયસિંહ, નાગદાનભાઈ, કૈલાશભાઈ, ચેતનસિંહ, સહિતની ટીમ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરી, માથાભારે વ્યાજખોરને બોલાવી, વ્યાજ જોઈએ કે જેલ જોઈએ…? એવુ શાનમાં સમજાવતા, વ્યાજખોરને પોલીસની ભાષામાં સમજાવી દેતા, એક્ટિવા, આરસી બુક, ટિટીઓ ફોર્મ, કોરા ચેક પાછા આપી, અરજદાર પાસેથી પોતાને હવે કાંઈ વ્યાજ લેવાનું રહેતું નહીં હોવાનું અને મુદ્દલ ના રૂ. 4 હજાર પાછા લેવાની જણાવેલ હતું. અરજદાર દ્વારા પણ પોતાનો પ્રશ્ન સોલ્વ થઈ જતા, ફરિયાદ કરવાનું ટાળ્યું હતું. અરજદાર દ્વારા પોતાને વ્યાજખોરના ચુંગાલમાંથી છોડાવવા બદલ અને મદદ કરવા બદલ, પોતાના કુટુંબ સાથે રૂબરૂ મળી, જૂનાગઢ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો. અરજદાર દ્વારા ખુશ થઈને જો પોલીસ દ્વારા પોતાને મદદ કરવામાં ના આવી હોત તો, આખા ફેમિલીની જિંદગી પુરી થઈ જાય તેમ હોવાની તેમજ આખા કુટુંબને નવી જિંદગી આપી હોવાની લાગણી વ્યક્ત કરી હતી. જૂનાગઢ પોલીસ દ્વારા પણ અરજદારને હવે પછી આવા લોકો પાસેથી બિન જરૂરી રૂપિયા નહીં લેવા અને પોતાના કુટુંબને મુશ્કેલીમાં નહીં મુકવા સલાહ આપી હતી.