મનપા દ્વારા મિલ્કત સિલિંગની કાર્યવાહી સામે વેપારીઓએ આંદોલનના માર્ગે

વી આકર્ડ કોમલેક્સની ફાયર સેફટીની તમામ પ્રોસેજર પુરી કરી છતાં સિલ ન ખોલતાં આ કોમલેક્સના વેપારીઓ વિફર્યા, આવતીકાલે બપોર સુધી એમજી રોડ બંધ રાખવાની ચીમકી

જૂનાગઢ : જૂનાગઢ મનપા દ્વારા ફાયર એનઓસી અને બીયું સર્ટિફિકેટ વિહોણી હોસ્પિટલો, શાળા અને કોમલેક્સ સિલ કરવાની કાર્યવાહી સામે વેપારીઓએ બંડ પોકર્યું છે. ખાસ કરીને સિલ કરાયેલા વી આકર્ડ કોમલેક્સની ફાયર સેફટીની તમામ પ્રોસેજર પુરી કરી છતાં સિલ ન ખોલતાં આ કોમલેક્સના વેપારીઓ વિફર્યા છે અને વેપારીઓએ આવતીકાલે બપોર સુધી એમજી રોડ બંધ રાખવાની ચીમકી આપી છે.

જૂનાગઢ મનપા દ્વારા વી આરકેડને સિલ કરવાના મામલે વી આરકેડના વેપારીઓ ઉપવાસ આંદોલન પર ઉતર્યા છે અને મનપાની લાલિયાવાડી સામે આવતી કાલે એમ.જી.રોડને બપોર સુધી બંધ રાખવાની ચીમકી આપી છે. વી આરકેડ વેપારી એસોસિયેશનને એમ.જી.રોડના તમામ વેપારીઓ સાથ સહકાર આપશે. જો કે વિ આરકેડના વેપારીઓ દ્વારા તમામ ફાયર સેફ્ટીની તમામ પ્રોસિજર મનપામાં પૂર્ણ કરાવી હોવા છતાં વિ આરકેડનું સિલ ન ખોલતા મનપા સામેના વિરોધમા આવતીકાલે એમજી રોડના વેપારીઓ કાલે બંધ પાળશે.

જૂનાગઢ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ તેમજ વેપારીઓના જણાવ્યા મુજબ તેમને કાયદાકીય કાર્યવાહી સામે વાંધો નથી. પણ મનપા દ્વારા જે પદ્ધતિથી કાર્યવાહી થઈ રહી છે એની સામે વિરોધ છે. ખાસ કરીને ફાયર એનઓસી માટે સમય આપવાને બદલે જોહુકમી ચાલવીને વેપારીઓના ધંધો રોજગાર ખોરવી નાખ્યા છે. સિલ કરવાથી વેપારીઓ ધંધા વિહોણા થઈ ગયા છે. આથી મનપા દ્વારા આ મામલે વેપારીઓને યોગ્ય ન્યાય ન મળે તો આનાથી પણ ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.