જૂનાગઢ જેલ કે મોબાઈલ શોપ ? વધુ ચાર મોબાઈલ મળતા ચકચાર

જેલની જડતી દરમિયાન ગંભીર બેદરકારી સામે આવતા અજાણ્યા કેદી સામે ગુન્હો દાખલ

જૂનાગઢ : જૂનાગઢની જિલ્લા જેલ જાણે મોબાઈલ શોપ હોય તેમ વખતોવખત જેલની જડતી દરમિયાન મોબાઈલ મળી આવતા હોવાની બાબત સામાન્ય બની છે. ત્યારે ગઈકાલે જૂનાગઢ જેલની જડતી દરમિયાન વધુ ચાર મોબાઈલ મળી આવતા ચકચાર મચી ગઇ છે. આથી આ બનાવ અંગે કોઈ અજાણ્યા કેદીએ જેલમાં મોબાઈલ ફેંક્યા હોવાની ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરાઇ છે.

જૂનાગઢ એ ડીવીજન પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી દેવશીભાઇ રણમલભાઇ કરંગીયા (ઉ.વ.૫૦ જેલર ગૃપ-૨, ઝડતી સ્કવોર્ડ જેલર અધિક પોલીસ મહાનિદેશક જેલ અને સુધારાત્મક વહીવટની કચેરી સુભાષ બ્રીજ સર્કલ અમદાવાદ)એ કોઇ અજાણ્યો કેદી સામે ફરિયાદ નોંધાવી હતી કે, જેલર ગૃપ-૨, ઝડતી સ્કવોર્ડ દ્વારા ગઈકાલે જૂનાગઢની જીલ્લા જેલમાં ઓચિંતા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને જુનાગઢની જીલ્લા જેલની ઝડતી દરમ્યાન જીલ્લા જેલમાથી મોબાઇલ નંગ-૪ જેના બે ચાલુ હાલતમા તથા બે તુટેલ હાલતમા પ્રતિબંધિત વિસ્તારમા કોઇ અજાણ્યો કેદીએ નાખી દીધા હોવાનું ખુલ્યું હતું. આથી પોલીસે આ મામલે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.