માળીયા તાલુકાના ખેડૂતોને સૌની યોજનામાં વળતર ચુકવવામાં ધાંધિયા

માંગરોળ – માળીયા વિસ્તારના ધારાસભ્ય દ્વારા તાકીદે વળતર ચૂકવવા લેખિત રજુઆત

(કિશન વાળા) માળીયા : માળીયા હાટીના તાલુકાના ખેડૂતોને સૌની યોજના અંતર્ગત વળતર ચુકવવામાં થતા ધંધિયા બાબતે માંગરોળ માળીયા વિસ્તારના ધારાસભ્ય દ્વારા લેખિત રજુઆત કરી તાકીદે વળતર ચૂકવવા માંગ કરી છે.

જુનાગઢ જિલ્લાના માળીયા હાટીના તાલુકામાં સૌની યોજના અંતર્ગત ભાંખરવડ ડેમમાં નર્મદા યોજનાનું પાણી નાંખવા માટે પાઈપલાઈન નાંખવાનું કામ પ્રગતિમાં છે. આ માટે ખેડૂતોને સીઝનદીઠ રૂા.૨૦ હજારનું વળતર આપવાનું મૌખિક નક્કી કરવામાં આવેલ હતું પરંતુ ખેડૂતોની બે સીઝન પૂર્ણ થઈ ત્રીજી સીઝન ચાલુ છે છતાં આ પાઈપલાઈન નાંખવાની કામગીરી કરતી એજન્સી દ્વારા ખેડૂતોને માત્ર રૂા.૧૦ હજારનું ચૂકવણું કરવામાં આવ્યું છે.જેના કારણે ખેડૂતોમાં ભારોભાર આક્રોશ વ્યાપેલો છે.

કોરોનાના સમયમાં ખેડૂતોની આર્થિક પરિસ્થિતિ ગંભીર થઈ હતી ત્યારે તેમને પૂરતી રકમનું વળતર મળે તે અત્યંત જરૂરી છે. તાજેતરમાં બોડી તથા તરસીંગડા ગામની રૂબરૂ મુલાકાત વખતે આ ગામના ખેડૂતોએ ઓછી રકમનું વળતર મળ્યા અંગે રજૂઆત કરેલ. આ સાથે બોડી તથા તરસીંગડા ગામના ખેડૂતોની યાદી સામેલ કરી જે ખેડૂતોને માત્ર રૂા. ૧૦ હજારનું વળતર મળેલ છે તે અંગે જરૂરી તપાસ કરાવી, બોડી અને તરસીંગડા ગામના યાદીમાં સમાવિષ્ટ ખેડૂતો તથા માતરવણીયા ગામના ખેડૂતોને નક્કી થયા મુજબનું વળતર ચૂકવવા માંગ કરવામાં આવી છે.