જૂનાગઢના કીર્તિબેન ચુડાસમા ઘરે જ ઘરઉપયોગી વસ્તુઓ બનાવી પગભર બન્યા

શક્તિ મેળામાં વિવિધ વસ્તુઓનું વેચાણ કરી રોજના ૪ થી ૫ હજાર રૂપિયા કમાઇ છે

ગુજરાતના વિવિધ જિલ્લા સહિત અન્ય રાજ્યમાં પણ સ્ટોલ નાખી વસ્તુનું વેચાણ કરે છે

જૂનાગઢ : જૂનાગઢના કીર્તિબેન ચુડાસમા ઘરે ઝુલા, તોરણ, ઊનના રૂમાલ, ખાટલી સહિતની વસ્તુઓ બનાવી શક્તિ મેળામાં તેમનું વેચાણ કરી રોજના ૪ થી ૫ હજાર રૂપિયાની આવક મેળવી રહ્યા છે.

જૂનાગઢ સ્થિત એ.જી સ્કુલના ગ્રાઉન્ડમાં મહિલા આર્થિક વિકાસ નિગમ દ્રવારા આયોજીત શક્તિ મેળામાં ભાગ લેનાર કીર્તિબેને જણાવ્યું હતું કે, મારે પગભર બનવું હતું. મને એસબીઆઇ આરસેટી તાલીમ આપતી હોવાની માહિતી મળતા મે બિલખા રોડ પર આવેલા એસબીઆઇ આરસેટી ખાતે વિવિધ વસ્તુઓ જેવી કે, વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ બનાવવાની તાલીમ મેળવી હતી. ત્યારબાદ હું સખી મંડળમાં જોડાઇ અને તાલીમ લીધા બાદ ઘરે જ ઝુલા, તોરણ, માચી, ખાટલી, ઊનના રૂમાલ સહિતની વસ્તુઓ બનાવીને બજારમાં તેનું વેચાણ તેમજ મહિલા આર્થિક વિકાસ નિગમના સહયોગથી મેળામાં સ્ટોલ નાખી સારી આવક મેળવી રહી છું.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જૂનાગઢના શક્તિ મેળામાં સ્ટોલ નાખી રોજની ૪ થી ૫ હજાર રૂપિયાની આવક મેળવી રહી છું. હું મહિલા આર્થિક વિકાસ નિગમ થકી ગુજરાતના વિવિધ જિલ્લા તેમજ અન્ય રાજ્યના મહિલા મેળામાં ભાગ લઇ મારી વસ્તુઓનું વેચાણ કરૂ છું.
સરકારશ્રીના આભારી છીએ કે, આવા મેળાનું આયોજન કરવામાં આવે છે. જેના થકી અમારા જેવી મહિલાઓને પણ રોજગારી મળી રહે અને આત્મનિર્ભર બને છે.