જૂનાગઢમાં વિફરેલા આર્મીમેન પતિએ પત્ની ઉપર ફાયરિંગ કર્યું

દાણાપીઠ સરકારી શાળા નજીક ફાયરીંગની ઘટનામાં પત્ની ઈજાગ્રસ્ત બનતા સારવારમાં ખસેડાઇ

જૂનાગઢ : જૂનાગઢ શહેરમાં આજે આર્મીમેન પતિએ આંગણવાડીમાં ફરજ બજાવતી પત્ની ઉપર ફાયરિંગ કરતા ચકચાર મચી જવા પામી છે. હાલ ઈજાગ્રસ્ત મહિલાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે અને ફાયરિંગ કરનાર પતિદેવને પોલીસે હથિયાર સાથે દબોચી લીધો છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ જૂનાગઢના દાણાપીઠ વિસ્તારમાં આંગણવાડીમાં કામ કરતા સ્મિતાબેન પરમાર ઉપર ઉત્તરપ્રદેશના મેરઠમાં ફરજ બજાવતા મનીષ હરેશ પટેલ ઘરકંકાસને લઈ ફાયરિંગ કરતા સ્મિતાબેનને પગમાં ગોળી લાગતા હાલમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

બીજી તરફ આંગણવાડી કાર્યકર પત્ની ઉપર ફાયરિંગ કરનાર આર્મીમેન પતિને તાત્કાલિક અસરથી સીટી એ ડિવિઝન પીએસઆઇ સહિતના કાફલાએ હથિયાર સાથે ઝડપી લીધો હતો. ધોળા દિવસે ફાયરિંગની ઘટનાને લઈ હાલ જૂનાગઢમાં ચકચાર મચી જવા પામી છે.