જૂનાગઢ જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા વોટીંગ રેશીયો ૮૫ ટકાથી વધારવા કવાયત

મતદાન ટકાવારી વધારવા સ્વીપ અંતર્ગત પૂર્વ તૈયારીઓ કરવા જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા માર્ગદર્શન અપાયું

૨૦૧૨ વિધાનસભામાં ૬૭.૬૩ ટકા અને ૨૦૧૭ વિધાનસભા ચૂંટણીમાં ૬૩.૧૫ ટકા મતદાન થયું હતું

જૂનાગઢ : જૂનાગઢ તા.૭ સ્વીપ મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત જૂનાગઢ જિલ્લામાં પાંચ વિધાનસભા ક્ષેત્રોમાં વોટીંગ રેશીયો ૮૫ થી ૯૦ ટકા સુધી લઇ જવા કવાયત શરૂ કરવામાં આવી છે. વોટીંગ રેશીયો વધારી સમગ્ર દેશમાં જૂનાગઢ જિલ્લાની નોંધ લેવાઇ તેવી કાર્યવાહી કરવા જિલ્લા કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું.

કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી રચિત રાજના અધ્યક્ષસ્થાને આજે મળેલ બેઠકમાં ૨૦૧૨ વિધાનસભામાં ૬૭.૬૩ ટકા અને ૨૦૧૭
વિધાનસભા ચૂંટણીમાં ૬૩.૧૫ ટકા મતદાન થયું હતું. આ ટકાવારીની સમીક્ષા કરી જિલ્લા કલેક્ટરશ્રીએ કહ્યું કે, મતદાન ઓછુ થવાના કારણો, પરિબળો જાણવા સાથે આપણે આગામી ચૂંટણીમાં મતદાનની ટકાવારી ૮૫ થી ૯૦ ટકા સુધી લઇ જવા આજથી જ તૈયારીઓ શરૂ કરવાની છે.

ખાસ તો જે બુથમાં અને પોકેટમાં મતદાન ઓછુ થાય છે ત્યાં ટીમ વર્ક સાથે તૈયારીઓ કરવા, સ્ટાફને મોટીવેશન આપવું, કુશળ સ્ટાફની પસંદગી તેમજ પ્રાંત અધિકારીઓને મામલતદાર અને તેના સ્ટાફને પ્રેરણા આપી સ્થાનિકે બેઠકનું આયોજન કરી તુરંત કાર્યવાહી શરૂ કરવા જિલ્લા કલેક્ટરશ્રીએ આગ્રહ પૂર્વક જણાવ્યું હતું.

અધિક નિવાસી કલેક્ટરશ્રી એલ.બી.બાંભણિયા, પ્રાંત અધિકારી વંથલી, હનુલ ચૌધરી, પ્રાંત અધિકારી જૂનાગઢ ભૂમિ કેશવાલા, વિસાવદર પ્રાંત પ્રશાંત મંગુળા, મેંદરડા પ્રાંત સંકેત પટેલ, કેશોદ પ્રાંત કિશન ગરશર અને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ડો.રીના ચૌધરીની ઉપસ્થિતિમાં યોજાયેલ બેઠકમાં ગત વિધાનસભા તેમજ લોકસભા ચૂંટણીના ડેટાનો અભ્યાસ કરી ઓછુ મતદાન થયું હોય તેવા બુથનો અભ્યાસ કરી મતદાન વધારવા માઈક્રો પ્લાનીંગ માટે જિલ્લા કલેક્ટરશ્રી રચિત રાજે માર્ગદર્શન આપ્યું હતું.

મતદાન વધારવા બીએલઓ સહિત ગ્રામ્ય લેવલના કર્મચારીઓ આશાવર્કર, આંગણવાડી વર્કર, સીડીપીઓ, સેલ્ફ હેલ્પ ગૃપ, વોટર સ્લીપનું સૂચારૂ વિતરણ મતદાર યાદીમાં કોઇ કમી ના રહે, મતદાન મથક પર સુવિધા સહિતની બાબતો અંગે પૂર્વ તૈયારીઓ કરવા સાથે વોટીંગ રેશીયો વધારવાની કામગીરી શરૂ કરવા જિલ્લા કલેક્ટરશ્રીએ સ્પષ્ટ સૂચનાઓ આપી હતી.