જૂનાગઢના માર્કેટીંગ યાર્ડમાં ટેકાના ભાવે ચણાની ખરીદીનો પ્રારંભ

ચણાનો ભાવ સારો હોવાથી ખેડૂતોને પૂરતો ટેકો મળી રહેવાની સંભાવના

જૂનાગઢ : જૂનાગઢના સરદાર વલ્લભભાઈ પટેલ માર્કટિગ યાર્ડમાં ટેકાના ભાવે તુવેર-ચણાની ખરીદીનો પ્રારંભ થયો છે. જેમાં રજિસ્ટ્રેશન કરાયેલા ખેડૂતો ચણા સાથે ઉમટી પડ્યા હતા અને ખેડૂતોના ચણાની ખરીદી કરવામાં આવી હતી. જો કે,ચણાનો ભાવ સારો હોવાથી ખેડૂતોને પૂરતો ટેકો મળી રહેવાની સંભાવના છે.

જૂનાગઢમાં આવેલ સરદાર વલ્લભભાઈ પટેલ માર્કટિગ યાર્ડમાં આજથી રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે તુવેર-ચણાની ખરીદી શરૂ કરવામાં આવી છે અને ખેડૂતો ચણા લઈને ખરીદી અર્થે આવ્યા હતા. આ ખેડૂતોના ચણાની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી હતી. આ અંગે નવા પીપળીયા કૃષિ પેદાશ અને રૂપાંતર સહ મંડળી જૂનાગઢ સેન્ટરના રમણિકભાઈ સાવરિયાએ જણાવ્યું હતું કે, તા.17 ફ્રેબ્રુઆરીથી અત્યાર સુધીમાં તુવેરની ખરીદીમાં 57 ખેડૂતોની તુવેરની ખરીદી કરી છે. જ્યારે 1 માર્ચથી ચણાની ખરીદી શરૂ કરવામાં આવી હતી.જેમાં 8 ખેડૂતોના ચણાની ખરીદી કરાઈ છે અને હજુ ઘણા ખેડૂતો બાકી હોય સરકારી નિયમ મુજબ 90 દિવસ સુધી ચણાની ખરીદી કરવામાં આવશે તેવું તેમણે જણાવ્યું હતું.