અચાનક ગેસનો બાટલો ફાટતા એક જ પરિવારના બે મહિલાઓના કરુણ મોત

વંથલીના બંટીયા ગામની વાડીમાં દૂધ ગરમ કરતી વખતે દુર્ઘટના સર્જાઈ

જૂનાગઢ : વંથલીના બંટીયા ગામની વાડીમાં ગેસના ચૂલા ઉપર દૂધ ગરમ કરતી વખતે ગોઝારી દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં અચાનક ગેસનો બાટલો ફાટતા એક જ પરિવારના બે મહિલાઓના કરુણ મોત નિપજ્યા હતા. આથી પરિવારમાં અરેરાટી મચી ગઇ હતી.

વંથલી પોલીસ સ્ટેશનમાથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર જોશનાબેન ગીરીશભાઇ કોઠડીયા (ઉ.વ.૫૫ રહે બંટીયા નવી ડેરી પાસે તા.વંથલી), કીરણબેન નંદીસભાઇ કોઠડીયા (ઉ.વ.૨૩ રહે બંટીયા નવી ડેરી પાસે તા.વંથલી) નામના બન્ને મહિલાઓ બંટીયા ગામની મસાણવાળી ગારીમા આવેલ વાડીમાં ગેસ ઉપર દુધ ગરમ કરતા હતા. ત્યારે અચાનક ગેસનો બાટલો ફાટતા બન્ને મહિલાઓ શરીરે ગંભીર રીતે દાઝી જતા તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાઇ હતી. જ્યાં સારવાર દરમ્યાન બન્ને મહિલાઓના મોત નિપજ્યા હતા. ગેસનો બાટલો ફાટવાની દુર્ઘટનામાં એક જ પરિવારના બે મહિલા સભ્યોએ જીવ ગુમાવતા તેમના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પોલીસે આ બનાવની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.