જૂનાગઢના શામળદાસ ગાંધી ટાઉનહોલ ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી થશે

શ્રેષ્ઠ આંગણવાડી અને તેડાગર બહેનોનું સન્માન, લાભાર્થી મહિલાઓને સહાય-ચેક વિતરણ કરાશે

૮ માર્ચે સિવિલ હોસ્પિટલમાં જન્મનાર દરેક દિકરીને દિકરી વધામણા કીટ અપાશે

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લામાં તા.૮ માર્ચના શામળદાસ ગાંધી ટાઉનહોલ ખાતે સવારે ૯-૩૦ કલાકે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરાશે. જેના આયોજન અન્વયે જૂનાગઢ જિલ્લા કલેક્ટરશ્રી રચિત રાજના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ હતી.

વર્ષ ૨૦૨૨ આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી જેન્ડર ઇક્વાલીટી ટુડે ફોર અ સસ્ટેનેબલ ટુમોરોની થીમ સાથે યોજાશે. તા.૮ માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી અંતર્ગત બેટી બચાઓ બેટી પઢાઓ અંતર્ગત અગ્રણી મહિલાઓનું સન્માન, આંગણવાડી અને તેડાગર બહેનોનું માતા યશોદા એવોર્ડથી સન્માન, યોગ ક્ષેત્રે સિદ્વિ મેળવેલ બહેનોનું સન્માન કરાશે. આ કાર્યક્રમમાં જૂનાગઢ મનપા મેયરશ્રી ગીતાબેન પરમાર, જૂનાગઢ જિલ્લા પંચાયત પ્રમુખ શાંતાબેન ખટારિયા તેમજ વિવિધ સમિતિના મહિલા ચેરમેનો અધ્યક્ષસ્થાન શોભાવશે.
આ ઉપરાંત વ્હાલી દિકરી યોજનાના લાભાર્થી, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાના લાભાર્થીને મંજુરી હુકમ, મહિલા સ્વાવલંબન યોજનાના લાભાર્થીઓને સહાય કીટ વિતરણ કરાશે.

વધુમાં તા.૮ માર્ચના દિવસે સિવિલ હોસ્પિટલ જૂનાગઢ ખાતે જન્મ થનાર દિકરીઓને દિકરી વધામણા કીટ આપી પ્રોત્સાહિત કરાશે.
મહિલા દિનની ઉજવણીના સૂચારૂ આયોજન અંગે યોજાયેલ બેઠકમાં અધિક કલેક્ટરશ્રી બાંભણિયા, ડીઆરડીએ નિયામકશ્રી જાડેજા, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી મંડોત સહિતના ઉપસ્થિત રહ્યા હતા. બેઠકનું સંચાલન જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી જસાણીએ કર્યું હતું.