આડેધડ પાર્ક કરેલા ટ્રક પાછળ બાઈક ઘુસી જતા એકનું મોત

આરેણા ગામની બાજુમાં સુપરવડ વિસ્તારમાં માંગરોળ વેરાવળ રોડ ઉપર અકસ્માતના બનાવની ફરિયાદ નોંધાઈ

જૂનાગઢ : આરેણા ગામની બાજુમાં સુપરવડ વિસ્તારમાં માંગરોળ વેરાવળ રોડ ઉપર આડેધડ પાર્ક કરેલા ટ્રક પાછળ બાઈક ઘુસી જતા એકનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે જોખમી રીતે ટ્રક પાર્ક કરનાર ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.

માંગરોળ મરીન પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી મુસાભાઇ દાઉદભાઇ કાલવાત (ઉ.વ.૪૦ રહે.માંગરોળ જેતખમ સીમ વિસ્તાર તા.માંગરોળ) એ આરોપી ટ્રક નં. GJ 15 UU 1762 નો ચાલક સામે ફરિયાદ નોંધાવી છે કે, ગત તા.૨ના રોજ આરેણા ગામની બાજુમાં સુપરવડ વિસ્તારમાં માંગરોળ વેરાવળ રોડ ઉપર આરોપીએ પોતાના હવાલાનો ટ્રકને જાહેર હાઇવે રોડ ઉપર ઉભો રાખી કોઇ આડસ કે સાવધાનીના સાધનો રાખ્યા વગર બેદરકારીથી પાર્ક કરતા ફરીયાદીના કુટુંબીક ભાઇના બાઈક નં.GJ-11-BN-6780 વાળા ટ્રક સાથે ભટકાતા ફરીયાદીના કુટુંબીક ભાઇ અયુબભાઇ મહમદભાઇ કાલવાત તથા સાહેદ રવીભાઇ રણજીતભાઇ કામરીયાને શરીરે ગંભીર ઇજાઓ થતા તેમજ ફરીના કુંટુંબીક ભાઇ અયુબભાઇ મહમદભાઇ કાલવાતનુ મોત નીપજ્યું હતું.