જૂનાગઢ શક્તિ મેળામાં સ્ટોલધારક આણંદના મહિલા માટીમાંથી રંગબેરંગી વાસણો બનાવી મેળવે છે રોજગારી

ઘરે કાચો માલ લઇ આવી તેમાથી મગ, ચાના કપ, અથાણા બરણી, ડીસ સહિતની વસ્તુ બનાવે છે

જૂનાગઢ : જૂનાગઢના શક્તિ મેળામાં આણંદના નયનાબેન પ્રજાપતિએ ભાગ લીધો હતો અને સીરામીકની રંગબેરંગી વસ્તુઓ જેવી કે, મગ, અથાણા બરણી, ચાના કપ, ડીસ સહિતની વસ્તુઓનું વેચાણ કરી સારી એવી આવક મેળવી રહ્યા છે.

શહેરના એ.જી.સ્કુલ ગ્રાઉન્ડ ખાતે શક્તિ મેળાનું આયોજન થયું છે. જેમાં આણંદના નયનાબેન પ્રજાપતિએ પણ ભાગ લીધો છે. તેમણે જણાવ્યું હતું કે, હું અને મારા પતિ છેલ્લા ૧૨ વર્ષથી સીરામીકની વસ્તુઓ બનાવીએ છીએ. માટીનો કાચો માલ ઘરે લઇ આવીએ અને તેમાંથી વિવિધ પ્રકારની વસ્તુઓ જેવી કે, મગ, ચાના કપ, રકાબી, અથાણા બરણી સહિતની વસ્તુઓ ઘરે જ બનાવી વેચાણ કરીએ છીએ આ શક્તિ મેળામાં ભાગ લઇ સારી એવી આવક મેળવીએ છીએ.

વધુમાં જણાવ્યું હતું કે, આ અમારી પરંપરાંગત કામગીરી છે. પણ હવે તેમાં ટ્રેન્ડ વધતા નવી આકર્ષક વસ્તુઓ બનાવીએ છીએ. જેથી લોકોને તે ગમે અને તેની ખરીદી કરે હું અને મારા પતિ મહિલા આર્થિક વિકાસ નિગમ થકી રાજ્યના વિવિધ જિલ્લાઓમાં અમારી વસ્તુઓનું વેચાણ કરવા જઇએ છીએ. જેના થકી અમને સારી એવી આવક મળી રહી છે.