મોદી, યોગી અને શાહનો ત્રિવેણી સંગમ : ત્રિપુટીના ત્રિવેણી સંગમમાં ધર્મવિજય

ચૂંટણી નહીં પરંતુ ધર્મ વિજયના પર્વની ઉજવણીની પૂર્વ તૈયારી છે : કીરીટ પટેલ

જૂનાગઢ : ઉત્તરપ્રદેશની ચૂંટણી સંદર્ભે જૂનાગઢ ભાજપના અગ્રણી નેતા કીરીટ પટેલે પોતાની વાત લેખમાં રજૂ કરી છે. જે નીચે મુજબ છે.

સુવર્ણ પેદા કરતી આ ધન્ય ધરા. ઇતિહાસના પાનાઓ ફેરવો તો ભારતની ભવ્યતા અને ભારતીય સંસ્કૃતિથી આંખો અંજાઈ જાય છે. ઉત્તરપ્રદેશમાં ચાલી રહેલા લોકશાહી ચૂંટણી પ્રક્રિયાનું વિશ્લેષણ કરતા અંતરના દીપ પ્રજ્વલિત થાય છે કારણ કે; આ ચૂંટણી નહીં પરંતુ ધર્મ વિજયના પર્વની ઉજવણીની પૂર્વ તૈયારી છે. અનેક યાતનાઓ ભોગવ્યા બાદ હવે ઉત્તર પ્રદેશની જનતાને ધર્મ વિજય અને સત્ય વિજયની જ્યોત પ્રકાશિત કરી રહી છે.

આજથી વર્ષો પહેલા લાલ-બાલ અને પાલની ત્રીપુટીએ અંગ્રેજોની ઊંઘ હરામ કરી દીધી હતી. અને ભારતને સ્વતંત્રતા અપાવવા માટે પોતાના શોર્ય અને પરાક્રમથી નિર્દયી અંગ્રેજોની ગુલામી સામે પડકાર ફેંકી અનેક યુવાનોમાં ક્રાંતિની ચિનગારી ફૂંકી હતી. આજે ઉત્તર પ્રદેશમાં નજર કરું તો મને માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, આદરણીય યોગી આદિત્યનાથજી તેમજ ગૃહપ્રધાન અમિતભાઈ શાહને જોઈ વર્ષો જૂની ત્રિપુટી લાલ-બાલ અને પાલની યાદો તાજી થાય છે.

જ્યારે મહેનતનો માહોલ જાગે ત્યારે રાજમહેલના દ્વારા અને સિંહાસનો હંમેશા પુરુષાર્થના એ તાજ પહેરેલા અને લોકનાયકના ચારિત્ર્યથી સર્જાયેલા મહાપુરુષો માટે હંમેશાં એ ખુલ્લા થઈ જાય છે. રાષ્ટ્રપ્રેમ અને રાષ્ટ્ર ભક્તિની સરિતાને વહેવડાવનાર, ભારતને ધર્મ સાથે વિજ્ઞાન આ બંનેના સંગમથી અનેક ભેટ આપનાર અને આધ્યાત્મિક જીવનથી લઈને સામાજિક જીવન, રાજકીય જીવનમા પણ શ્રેષ્ઠતાનું તેજ બિંદુ બની તેજસ્વી તારલાની જેમ ચમકી ઉઠનાર એવા આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી, ભારતના ગૃહપ્રધાન માનનીય અમિતભાઈ શાહજી અને ભગવાધારી ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજીના કાર્ય, કુશળતા અને નિપુણતાના આ ત્રિવેણી સંગમમાં આ ત્રણેયની ત્રિપુટી જ્યારે ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં મહેનત કરી રહી હોય ત્યારે સ્વાભાવિક છે કે; પરિણામ હંમેશા સત્ય ધર્મ તરફ જ આવે. ભારતની યશસ્વી ત્રિપુટી રાષ્ટ્ર ધર્મની વર્ષાથી સૌને ભીંજવી રહી હોય ત્યારે આ રાષ્ટ્ર ધર્મની વર્ષામાં મને પણ ભીંજાવાનું મન થાય છે.

આજે શબ્દ શોધવા નજર કરું સાહિત્યના પાનાઓમા તો મને ‘રાષ્ટ્રપ્રેમ’ શબ્દ વધુ નજરે તરે છે. આજે લોકશાહીની આ ધન્ય ધરા ઉપર જ્યારે ભગવો લહેરાશે તે પળની કલ્પનાથી જ મારું રોમે રોમ ગર્વથી આ ત્રિપુટીને સમર્પિત આભાર માને એટલું ઓછું છે. જેમ દરિયો પોતાની ભરતી ભરે અને છતાં પણ મધ્યમાં તે સ્થીરતા જાળવી રાખે તેવી જ રીતે આ ત્રિપુટીના સંગમમાં મને રાષ્ટ્રપ્રેમ અને રાષ્ટ્ર સમર્પણની સ્થિરતા નજરે તરે છે. માટે આજે ઉત્તરપ્રદેશમાં મોદી, યોગી અને શાહની ત્રિપુટીના ત્રિવેણી સંગમમાં આજે ભવ્ય ભગવાનો વિજય થશે જ. એ વાતમાં શંકાને કોઈ સ્થાન જ નથી.

જેમ ત્રિનેત્રમાં એક નેત્ર અગ્નિ વર્ષાવતું હોય તેવી જ રીતે અસામાજિક તત્વો, લાચાર-મજબૂરનું છીનવી લેનાર વિધર્મીઓ, ડગલેને પગલે પાપ આચારી સામાન્ય જનતાને ભોગ બનાવનાર દેશદ્રોહીઓ સામે આ ત્રિપુટી ત્રીજું નેત્ર ખોલી અધર્મી અને દેશદ્રોહી તત્વો સામે અગ્નિની પણ વર્ષા કરી શકે છે તે સમગ્ર ભારતની જનતા જાણે છે. અને આ ત્રિપુટી નો ત્રિવેણી સંગમ ઉત્તરપ્રદેશની ચૂંટણીમાં થઈ રહ્યો હોય અને મહેનતની નદીઓ વહેતી હોય, ધર્મ અને રાષ્ટ્રપ્રેમની વર્ષા સૌને ભીંજવી રહી હોય, સત્ય અને ન્યાયનો સૂર્ય મધ્યાહને તપી રહ્યો હોય ત્યારે ભગવાનો વિજય થવાની સંપૂર્ણ તૈયારી છે. માટે સૌ ધર્મ હિતાર્થ તૈયારી કરીએ અને ઉત્તરપ્રદેશની આ ચૂંટણીને વધાવીએ. હું ત્રિપુટીના ત્રિવેણી સંગમમાં શબ્દ રૂપે આભાર વ્યક્ત કરું છું.

અંતરના ઊંડાણથી,
કીરીટ પટેલ