અનુસૂચિત જાતિના છાત્રાલયોમાં બાકીના 50 ટકા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા મામલે આંદોલનને અંતે તંત્ર ઝુક્યું

જૂનાગઢ અનુસૂચિત જાતિ સંગઠન અને વિદ્યાર્થીઓએ પ્રતીક ઘરણા કરતા અંતે અનુ.જાતિના નાયબ નિયામકે બાકીના વિદ્યાર્થીઓને પણ હોસ્ટેલમાં પ્રવેશ આપવાની ખાતરી આપી

જૂનાગઢ : રાજ્યમાં અગાઉ કોરોના ગાઈડલાઈનને કારણે સરકારી છાત્રાલયો 50 ટકા વિદ્યાર્થીઓ સાથે ચાલવવાનો નિયમ અમલી બનાવવામાં આવ્યો હતો. પણ બે વર્ષ બાદ હવે પરિસ્થિતિ એકદમ નોર્મલ બની હોવા છતાં સરકારી છાત્રાલયોમાં નિયમ બદલાયો ન હતો. આથી જુનાગઢમાં આજે અનુસૂચિત જાતિના છાત્રાલયોમાં બાકીના 50 ટકા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા મામલે અનુસૂચિત જાતિ સંગઠન અને વિદ્યાર્થીઓએ પ્રતીક ઘરણા સાથે આંદોલન કરતા તંત્ર ઝુક્યું હતું અને અનુ.જાતિના નાયબ નિયામકે બાકીના વિદ્યાર્થીઓને પણ હોસ્ટેલમાં પ્રવેશ આપવાની ખાતરી આપી હતી.

સૌરાષ્ટ્ર અનુસૂચિત જાતિ સંગઠન, જૂનાગઢના કાર્યકર્તા વિજય પરમારે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અગાઉ કોરોના ગાઈડલાઈનને કારણે સરકારી નિયમને કારણે ગુજરાતભરમાં આવેલી અનુસૂચિત જાતિના છાત્રાલયોમાં માત્ર 50 ટકા જ વિધાર્થીઓને એડમિશન આપવામાં આવતું હતું.ત્યારબાદ પરિસ્થિતિ એકદમ નોર્મલ બની ગઈ છે અને કોરુંના ગાઈડલાઈન પણ ઉઠાવી લેવામાં આવી હતી. આથી શાળા કોલેજ ચાલુ થઈ ગઈ પણ હોસ્ટેલમાં એડમિશન ન મળતા સમાજના ઘણા વિદ્યાર્થીઓ હેરાન થઈ રહ્યા હતા. આથી આ મામલે અનેક રજુઆત કરવામાં આવી હતી.પરંતુ યોગ્ય કાર્યવાહી ન કરાતા અજે વિદ્યાર્થીઓને સાથે રાખીને જૂનાગઢની સમાજ કલ્યાણ કચેરી ખાતે પ્રતીક ઘરણા કરીને અનુ.જાતિ નાયબ નિયમકને રજુઆત કરવામાં આવી હતી.

આંદોલનને પગલે જૂનાગઢ અનુ.જાતિ નાયબ નિયામકે અનુસૂચિત જાતિના બાકી રહેતા 50 ટકા વિદ્યાર્થીઓને પણ આગામી એકાદ બે દિવસમાં સરકારી છાત્રાલયોમાં પ્રવેશ આપવાની ખાતરી આપી હતી. આ અંગે એચ.આર. ઠોસાણી, ઇન્ચાર્જ નાયબ નિયામક અનુ.જાતિ જૂનાગઢએ જણાવ્યું હતું કે, અનુસીચિત જાતિના સંગઠન અને વિદ્યાર્થીઓ આજે સરકારી છાત્રાલયોમાં 100 ટકા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની રજુઆત કરી હતી. તે સંદર્ભે તેમની સાથે બેઠક કરી તેમની રજુઆતને સરકારને પહોંચાડી દેવામાં આવી છે અને ગઈકાલે સરકાર દ્વારા 100 ટકા ક્ષમતા સાથે તમામ શિક્ષણિક સંસ્થાઓ ચાલવાનો હુકમ કરવામાં આવ્યો છે. તેથી આ હુકમ.મુજબ વિદ્યાર્થીઓને હવે 100 ટકા હોસ્ટેલમાં પ્રવેશ અપાશે તેવી તેમણે ખાતરી આપી હતી.