ભવનાથનો શિવરાત્રીનો મેળો સુપેરે સંપન્ન કરવા બદલ તંત્રને અભિનંદન પાઠવતા ધારાસભ્ય

ધારાસભ્યે અધિકારીઓ, કર્મચારીઓ અને મીડિયાકર્મીઓનો આભાર માન્યો

જૂનાગઢ : જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઇ જોષીએ ભવનાથનો શિવરાત્રીનો મેળો સુપેરે સંપન્ન કરવા બદલ તંત્રને અભિનંદન પાઠવી અધિકારીઓ, કર્મચારીઓ અને મીડિયાકર્મીઓનો આભાર માન્યો છે. જેના માટે તેઓએ નીચે મુજબનો પત્ર જાહેર કર્યો છે.

ગરવા ગિરનારનો ગરવો કુંભ મેળો, ભવનાથનો મહાશિવરાત્રીનો મેળો સુપેરે સંપન્ન કરવા બદલ સમગ્ર પ્રશાસનને વંદન, અભિનંદન.

છેલ્લાં પાંચ દિવસથી ઉત્સાહપૂર્વક ઉજવાઈ રહેલો મહાશિવરાત્રીનો મેળો ગત રાત્રીનાં દિગમ્બર સાધુઓની પરંપરાગત ભવ્ય રવેડીના મૃગીકુંડ પર આગમન સાથે પૂરો થયો. આ વર્ષે સાતેક લાખથી વધારે ભાવિકો ઉમટી પડ્યા હતા. જે અંગેની તમામ વ્યવસ્થા સૂચારૂ અને સુલભ કરાવવા બદલ લોકો વતી એમનાં પ્રતિનિધિ તરીકે મારો રાજીપો વ્યક્ત કરૂં છું અને સમગ્ર પ્રશાસન પ્રત્યે અભિનંદનની લાગણી રજૂ કરૂં છું.

આ તકે ખાસ કરીને જૂનાગઢ જિલ્લા કલેકટર અને તેમનાં તાબાનાં તમામ અધિકારીઓ, કર્મચારીઓ; જિલ્લા પોલીસ અધિક્ષક અને તેમની કચેરી સંલગ્ન અધિકારીઓ અને કર્મચારીઓ; જૂનાગઢ મહાનગરપાલિકાનાં મ્યુનિસિપલ કમિશનર અને તેમની સમગ્ર ટીમ; અને જૂનાગઢ જિલ્લા, તાલુકા, અને શહેરનાં બધાં જ ચૂંટાયેલા પ્રતિનિધિઓને સમગ્ર વ્યવસ્થામાં સહકાર અને સહયોગ બદલ ખુબ ખુબ અભિનંદન અને આભાર.

સાથે સાથે આ મેળાની નાનામાં નાની બાબતોથી લઈને ઉત્તમ સુવિધાઓને જૂદાં જૂદાં પ્રસાર માધ્યમો દ્વારા લોકો સુધી પહોંચાડવા બદલ પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયાનાં સર્વે મીડિયાકર્મીઓને પણ અભિનંદન અને જાહેર આભાર.

આપનો,
ભીખાભાઇ જોષી
ધારાસભ્ય-જૂનાગઢ