મૃગીકુંડમાં શાહી સ્નાન સાથે મહાશિવરાત્રી મેળો સંપન્ન

શાહી સ્નાન સમયે સન્યાસીઓએ ‘હર હર મહાદેવ’નો જયઘોષ કરી વાતાવરણ ભક્તિમય બનાવ્યું

જૂનાગઢ : જૂનાગઢના ભવનાથમાં આયોજિત પવિત્ર અને પાવનકારી મહાશિવરાત્રીનો મેળો રાત્રીના 12 વાગ્યે મૃગીકુંડમાં સાધુઓના શાહીસ્નાન બાદ વિધિવત રીતે સંપન્ન થયો હતો..

ગરવા ગિરનારની ગોદમાં પાંચ દિવસીય યોજાયેલ મહાશિવરાત્રીનો મેળો ગઇકાલે રાત્રીના વિધિવત રીતે સંપન્ન થયો હતો. ભવનાથ મંદિરમાં આવેલ મૃગીકુંડમાં નાગા સાધુઓના શાહી સ્નાન સાથે મેળો પૂર્ણ થયો હતો. શાહી સ્નાન સમયે સન્યાસીઓએ ‘હર હર મહાદેવ’નો જયઘોષ કરી વાતાવરણ ભક્તિમય બનાવ્યું હતું. આ પૂર્વે ભવનાથધામમાં શાહી રવેડી નીકળી હતી, જે આ પવિત્ર મેળાનું આકર્ષણ હોય છે. જેમાં મોટી સંખ્યામાં સાધુ સંતો જોડાયા હતા. તો બીજી તરફ આ રવેડીને જોવા લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુંઓ પણ ઉમટ્યા હતા. મહત્વનું છે કે કોરાના કાળ બાદ આયોજીત મહાશિવરાત્રીના મેળામાં પાંચ દિવસમાં 15 લાખથી વધુ લોકોએ ભવનાથ દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.