જૂનાગઢ એસટીને શિવરાત્રીનો મેળો ફળ્યો : પાંચ દિવસમાં રૂા.૭૪.૨૮ લાખથી વધુની આવક

જુદા જુદા ૯ ડેપોમાંથી એકસ્ટ્રા બસ દોડાવવામાં આવતા ૧,૭૬,૩૪૬ મુસાફરોએ એસટીનો લાભ લીધો

૬૪૩ બસ દ્વારા ૪૧૦૮ ટ્રીપ કરી ૨,૨૩,૭૭૩ કિમીનું અંતર કાપ્યુ

જૂનાગઢ : મહાશિવરાત્રી મેળા દરમિયાન જૂનાગઢ એસટી વિભાગ દ્વારા મુસાફરોને ધ્યાને રાખીને ૯ ડેપોમાંથી એકસ્ટ્રા બસ દોડાવવામાં આવી હતી. જેમાં મેળાના પાંચ દિવસ દરમિયાન રૂા.૭૪.૨૮ લાખથી વધુની આવક થઇ છે. માત્ર પાંચ દિવસમાં ૧,૭૬,૩૪૬ મુસાફરોએ એસટીનો લાભ લીધો હતો.

જૂનાગઢ એસટી નિગમના વિભાગીય નિયામકશ્રી જી.ઓ.શાહની યાદીમાં જણાવ્યા મુજબ મહાશિવરાત્રી મેળા દરમિયાન જૂનાગઢ હેઠળના બાંટવા, ધોરાજી, જૂનાગઢ શહેર, જેતપુર, કેશોદ, માંગરોળ, પોરબંદર, ઉપલેટા અને વેરાવળ સહિતના ડેપોમાંથી તા.૨૫ ફેબ્રુઆરીથી ૧ માર્ચ સુધી એકસ્ટ્રા બસ દોડાવવામાં આવી હતી. જેનો મુસાફરોએ લાભ લીધો હતો. આથી શિવરાત્રીના મેળા દરમિયાનના પાંચ દિવસમાં એસટી બસ વિભાગને રૂા.૭૪,૨૮,૬૮૪ની આવક થઇ છે. ૬૪૩ બસ દ્વારા ૪૧૦૮ ટ્રીપ કરવામાં આવી હતી. પાંચ દિવસમાં ૧,૭૬,૩૪૬ મુસાફરોએ એસટી બસનો લાભ લીધો હતો.