તળેટીએ જતાં એવું લાગ્યા કરે છે, હજીએય કરતાલ ક્યાંક વાગ્યા કરે છે : અલખની આહલેક જગાવતો ભવનાથ મેળો

મેળાના કેન્દ્રસ્થાને સંસારીઓ નહિ પરંતુ સાધુ-સંતો

જાણો.. ભવનાથ મંદિર તથા મૃગીકુંડ સાથે સંકળાયેલી દંતકથાઓ

તળેટીએ જતાં એવું લાગ્યા કરે છે,
હજીએય કરતાલ ક્યાંક વાગ્યા કરે છે.

કવિ મનોજ ખંડેરીયાની પંક્તિને સાર્થક કરતો અલખની આહલેક અને ભક્તિની ભભક જગાવતો જૂનાગઢનો મહાશિવરાત્રિનો મેળો આદિ-અનાદિકાળથી ગિરિનાર તળેટી સ્થિત ભવનાથ મંદિરના સાંનિધ્યમાં યોજાય છે. મહાશિવરાત્રિની રાત્રે નીકળતું નાગાબાવાઓનું સરઘસ મેળાનું મુખ્ય આકર્ષણ છે. તેમજ અલખ નિરંજન, બમ બમ ભોલે, હર હર મહાદેવના ભક્તિસભર નાદોથી ગિરનારની કંદરાઓ સતત ગુંજતી રહે છે.

જુનાગઢ શહેરથી સાત કિ.મી.ના અંતરે આવેલ ગરવા ગિરનારના તળેટીમાં બિરાજેલા ભગવાન ભવનાથ મહાદેવના મંદિરમાં યોજાતો મહાશિવરાત્રિનો મેળો એક જ એવો છે કે, જેના કેન્દ્રસ્થાને સંસારીઓ નહિ, પરંતુ સાધુ-સંતો છે. જીવના શિવ સાથેના મિલનનો મહિમા આ મેળો સૂચવે છે. અહીં મોજ-મજા નહીં, પરંતુ શિવભક્તિનું મહત્ત્વ રહેલું છે. અહીં ભજન અને ભક્તિની ભભક જોવા મળે છે. અલખના આરાધકો અહીં ઊમટી પડે છે.

ભવનાથ મેળાનો ઇતિહાસ

આ મેળોનો કોઈ ચોક્કસ ઇતિહાસ પ્રાપ્ત થતો નથી. ભાવિકો માને છે કે મેળો આદિ-અનાદિ કાળથી ચાલ્યો આવે છે. જુનાગઢના ઇતિહાસકાર ડૉ. પ્રદ્યુમનભાઈ ખાચરે તેમના, ગિરનારનો ઇતિહાસ પુસ્તકમાં જણાવેલ છે કે, તેમના મતે આ મેળો કદાચ 150 વર્ષથી વધુ પ્રચલિત થયાનું જણાય છે. નવાબી કાળમાં પણ યોજાતો અને નવાબ દ્વારા તેમાં જરૂરી મદદ કરવામાં આવતી હતી. અગાઉ વયોવૃદ્ધોનું મેળામાં જતા ત્યારે ભજન, ભંડારા અને સાધુઓની રવાડી નીકળતી હતી. જો કે, આજના જેવી ભીડ થતી ન હતી. મેળાનો મુખ્ય હેતુ શિવપૂજા અને ઉપાસનાનો હતો. આનદ-પ્રમોદનું મહત્ત્વ ન હતું.

ભવનાથ મંદિરની દંતકથા

આ મેળો ભવનાથ મહાદેવના મંદિરના સાંનિધ્યમાં યોજાય છે. ભવ એટલે અવતાર કે જન્મ ને નાથ એટલે ઈશ કે પરમતત્ત્વ, આમ ભવનાથ કહેવાય છે. ભવનાથનું આ મંદિર પ્રાચીન છે. સ્ક્ન્દપુરણમાં ક્ષેત્રને વસ્ત્રાપથ તરીકે વર્ણવાયું છે. કથાનુસાર કૈલાસ ઉપરથી શિવજી વિહાર કરવા નીકળ્યા અને આ વિસ્તારમાં આવ્યા. તેમને આ વિસ્તાર ગમી ગયો તેથી સમાધિમાં લીન થઈ ગયા. બીજી બાજુ કૈલાસ ઉપર શિવજી લાંબા સમય સુધી નજરે ન પડતાં માતા પાર્વતી અન્ય દેવગણો સાથે તેમને શોધવા નીકળ્યાં તો તેઓ અહીં મળી આવ્યા. શિવજીને કૈલાશ લઈ જવા માતા સમજાવતાં હતાં ત્યારે ગિરનાર વિસ્તારના સાધુઓએ સદાશિવને અહીં રહેવા વિનંતી કરી અને શંકર ભગવાન અહીં લિંગ સ્વરૂપે પ્રગટ થયા તે જ ભવનાથ કહેવાય છે. જે તિથિએ અહીં તેમનું પ્રાગટ્ય થયું તે તિથિ, મહાવદ ચૌદસ હતી તેથી તે મહાશિવરાત્રી કહેવાય છે, તેમ ભાવિકો માને છે.

આ પછી સમયાન્તરે અહીં મંદિર બન્યું અને તેમાં ઉત્તરોત્તર સુધારાવધારા થતા ગયા. હાલનું ભવ્ય મંદિર વર્ષ 2000માં નવ-નિર્મિત થયું છે. અન્ય એક કથા એવી પણ પ્રચલિત છે કે આ વિસ્તારમાં એક પારધીએ બીલીના વૃક્ષ ઉપર બેસીને ભૂખ્યા પેટે આખી રાત બીલીપત્રો તોડી તોડીને નીચે રહેલા અપૂજ શિવલિંગ ઉપર ફેંક્યા અને ભવ તરી ગયો. તેથી, આ સ્થળ ભવનાથ તરીકે અને જે રાતે આ ઘટના બની તે મહાશિવરાત્રી હતી તેવી કથા આજે પણ પ્રચલિત છે.

મૃગીકુંડની દંતકથા

ભવનાથ મંદિરમાં અંદરના ભાગે મૃગીકુંડ આવેલો છે. કિંવદંતી અનુસાર મૃગમુખી નારી જેનું અડધું શરીર સ્ત્રીનું અને બાકીનું મૃગલી અર્થાત્ હરણીનું હતું, જે શ્રાપિત હતી, તેમાંથી મુક્ત થયા બાદ કાન્યકુબ્જના રાજા ભોજે તેની સાથે લગ્ન કર્યાં અને તેની યાદમાં જે કુંડ બનાવ્યો તે મૃગીકુંડ કહેવાયો તેવી કથા સ્ક્ન્દપુરાણમાં છે. મહાશિવરાત્રિની મધ્યરાત્રિએ, રવાડીના સાધુઓ, નાગાબાવાઓ તેમાં સ્નાન કરે છે. એક એવી લોકવાયકા છે કે, અમર અવસ્થામાં રાજા ગોપીચંદ અને રાજા ભરથરી પણ આ સમયે કોઈ ને કોઈ સ્વરૂપમાં અહીં સ્નાન કરવા આવે છે. તેથી તેમાં સ્નાનનું મહત્ત્વ રહેલું છે.