ગિરનાર તળેટીમાં આજે મહાશિવરાત્રીના મેળામાં લાખોની મેદની ઉમટી

મધ્યરાત્રિએ મૃગીકુંડમાં નાગા સાધુઓના શાહી સ્નાન અને ભવનાથ મહાદેવની મહાઆરતી સાથે મેળાની થશે પૂર્ણાહુતિ

જૂનાગઢ : ગિરનાર તળેટીમાં ભવનાથના આજે મહાશિવરાત્રીના મેળામાં લાખોની મેદની ઉમટી પડી હતી. આજે મહાશિવરાત્રી હોવાથી ભગવાન ભોળાનાથની ભક્તિ કરવાનું અનેરું મહાત્મ્ય હોવાથી ગુજરાત જ નહીં બલ્કે દેશભરમાંથી મોટી સંખ્યામાં લોકોએ ઉમટી પડી ભગવાન શિવના દર્શન કરીને આરાધના કરી હતી. જો કે આજે મધ્યરાત્રિએ મૃગીકુંડમાં નાગા સાધુઓના શાહી સ્નાન અને ભવનાથ મહાદેવની મહાઆરતી સાથે મેળાની થશે પૂર્ણાહુતિ

ગિરનાર તળેટીમાં ભવનાથ ખાતે પાંચ દિવસીય મહાશિવરાત્રીના મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું અને મેળાનો પ્રારંભ થતા જ લોકો ઉમટી પડ્યા છે. જો કે કોરોના કાળના બે વર્ષ પછી આ ભગવાન શિવની આરાધના માટેનો આધ્યાત્મિક મેળો ભરાતા સમસ્ત સાધુ સંત સમાજ અને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. આજે મહાશિવરાત્રી હોવાથી આ મેળાનો અંતિમ દિવસ છે. આ ઉપરાંત મહાશિવરાત્રીએ ભવનાથમાં ભગવાન ભોળાનાથની ભક્તિ કરવાનો અનેરો મહિમા હોવાથી ગિરનાર તળેટીમાં આજે લાખો લોકો ઉમટી પડ્યા હતા.

લાખોની સંખ્યામાં ભાવિકો ભગવાન ભવનાથ મહાદેવના દર્શનાર્થે પહોંચ્યા છે.એટલે ગિરનાર તળેટીમાં પગ મુકવાની જગ્યા ન હોય તે હદે મેળામાં માનવ મહેરામણ ઉમટયો છે. જ્યારે ભવનાથમાં આજે મહાશિવરાત્રીના મેળાનો અંતિમ દિવસ હોવાથી લાખો લોકો આજે ઉમટી પડ્યા છે અને આખો દિવસ લોકો ભગવાન શિવના દર્શન વિશેષ પૂજા અર્ચના તેમજ મેળાની મોજ માણશે. બીજી તરફ આજે મહાશિવરાત્રીના અવસર જૂનાગઢ તેમજ સમગ્ર દેશમાંથી ઉમટી પડેલા સાધુ સંત સમાજે ઘુણી ધખાવી અલખનો નાદ કર્યો હતો. તેમજ મધ્યરાત્રિએ મૃગીકુંડમાં નાગા સાધુઓના શાહી સ્નાન અને ભવનાથ મહાદેવની મહાઆરતી સાથે મેળાની પૂર્ણાહુતિ થશે.