નગર મેં જોગી આયા : શિવરાત્રીના મેળામાં 3 લાખ લોકો ઉમટી પડ્યા

ગીરનાર ભવનાથ તળેટીમાં ચીકકાર મેદની ઉમટી પડી હર્ષોલ્લાસ સાથે મેળાની મોજ માણી

જૂનાગઢ : ભજન, ભક્તિ અને ભોજનના ત્રિવેણી સંગમ સમાં જૂનાગઢના ગીરનાર ભવનાથ તળેટી ખાતે યોજાયેલા પાંચ દિવસીય મહાશિવરાત્રીના મેળામાં આજે પગ મુકવાની પણ જગ્યા ન રહી હોય એટલી ચિક્કાર મેદની ઉમટી પડી હતી. એક અંદાજ મુજબ આજે શિવરાત્રીના મેળામાં 3 લાખથી વધુ લોકો ઉમટી પડ્યા હતા અને ભગવાન ભોળનાથના દર્શન કરવાની સાથે મેળાની મનભરીને મોજ માણી હતી.

જૂનાગઢના ગીરનાર ભવનાથ તળેટી ખાતે કોરોના કાળના બે વર્ષના લાંબા અંતરાલ બાદ આ વખતે વિશ્વ વિખ્યાત મહાશિવરાત્રીના મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. બે વર્ષ બાદ આ શિવરાત્રીનો મેળો યોજાયો હોય લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. ભારતભરમાંથી સાધુ સંતોએ ઉમટી પડીને અલખના નામની ઘૂણી ધખાવી છે. આ મેળામાં ભાવિકો માટે અન્નક્ષેત્રો તેમજ ફજેત ફાળકા, અવનવી રાઈડ્સ સહિતના મનોરંજનના તમામ સાધનોની વ્યવસ્થા કરવામાં આવી છે. જો કે મેળાના પ્રારંભથી ગુજરાત અને દેશભરમાંથી લોકો અહીં ઉમટી રહ્યા છે અને આજે તો જાણે માનવ કીડીયારું ઉભરાયું હોય એમ પગ મુકવાની પણ જગ્યા રહી નથી. તે હદે લોકોની મેદની ઉમટી પડી હતી એક અંદાજ મુજબ આજે શિવરાત્રીના મેળામાં 3 લાખથી વધુ લોકો ઉમટી પડ્યા હતા અને ભગવાન શિવને નમન કરી મેળાની મોજ માણી હતી.જો કે હજુ શિવરાત્રીના દિવસે આના કરતાં પણ વધુ મેદની ઉમટી પડવાની શક્યતા છે.