ચોટીલાના આપા ગીગાના ઓટલા દ્વારા ભવનાથ મેળામાં અન્નક્ષેત્ર ધમધમ્યું

અન્નક્ષેત્રમાં પ્રસાદની સાથે સાધુ-સંતોના આશીર્વચનનો લાભ મેળવી ભાવિકો ધન્ય બન્યા

જૂનાગઢ : ચોટીલાના આપા ગીગાના ઓટલા દ્વારા જુનાગઢના ભવનાથ મેળા અંતર્ગત મેળાના 24 કલાક પહેલાથી અન્નક્ષેત્ર ધમધમતું થયું છે. જેમાં ભાવિકો પ્રસાદ લઈ સાધુ-સંતોના આશીર્વચનથી ધન્ય બન્યા છે.

જુનાગઢમાં છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીને લઈને ભવનાથ ખાતે આયોજીત થતો શિવરાત્રીનો મેળો રદ કરવામાં આવતો હતો. જો કે હાલ કોરોના સંક્રમણ કાબુમાં હોવાથી રાજય સરકાર દ્વારા ભવનાથ મેળો યોજવાની મંજૂરી આપતા સાધુ-સંતો-મહંતો, શિવભકતો સહિત સેવાકીય સંગઠનો-સંસ્થાઓમાં ભકિતની હેલી ઉઠી છે. સ્થાનીક તંત્ર દ્વારા પણ મેળા સંદર્ભે તડામાર તૈયારીઓ કરવામાં આવી છે અને ગઈકાલથી મહાશિવરાત્રી મેળાનો આરંભ થઇ ચુક્યો છે.

ત્યારે ચોટીલા નજીક મોલડી સ્થિત આવેલા આપા ગીગાના ઓટલાનાં મહંત નરેન્દ્ર બાપુ (ગુરૂ જીવરાજ બાપુ) દ્વારા પણ દર વર્ષની જેમ આ વર્ષે ભવનાથ લાલ સ્વામીની જગ્યામાં જાહેર અન્નક્ષેત્રનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં શિવરાત્રી મેળાની વિધિવત શરૂઆત થાય તે પહેલાં છેલ્લા 24 કલાકથી અન્નક્ષેત્રમાં ભાવિકો ભોજન પ્રસાદ લેતા થયા છે.

આ તકે નરેન્દ્ર બાપુએ જણાવ્યું હતું કે આ આપાગીગાના ઓટલાનાં અન્નક્ષેત્રમાં શુક્રવારના રોજ ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. ત્યારે દેશભરમાંથી પધારેલા સાધુ-સંતો અને વિવિધ આશ્રમોનાં મહંતો ઉપસ્થિત રહી આર્શિવચન પાઠવી રહ્યા છે. તેમજ મેળો શરૂ થાય તેના 24 કલાક અગાઉથી આ અન્નક્ષેત્ર ધમધમતું થયું છે .

જયારે મહાશિવરાત્રીના આખા દિવસ દરમ્યાન ભાવિકો માટે ફરાળ તેમજ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અઢારેય આલમ એટલે કે કોઈપણ પ્રકારના નાતજાતના ભેદભાવ વગર આપાગીગાના આશરે મેળાની શરૂઆતથી લઈ મેળાની પૂર્ણાહુતી સુધી અન્નક્ષેત્ર સતત ધમધમતું રહેશે. આ મેળા દરમ્યાન સંતવાણીના કાર્યક્રમો દ્વારા શિવભકિત હેલે ચડશે ત્યારે આ મેળામાં હાજ૨ રહેલા તમામ શિવભકતોને આ અન્નક્ષેત્રનો લાભ લેવા નરેન્દ્રબાપુ તથા આપા ગીગા ઓટલાના સેવકગણોએ નિમંત્રણ પાઠવ્યું છે.

વધુમાં, આજરોજ તોરણીયાના રાજેન્દ્રબાપુ (રાણા બાપુ) જુનાગઢ અવધૂત આશ્રમના મહાદેવગિરી બાપુ સહિતના સાધુ-સંતો હાજર રહ્યા હતા અને ભોજનપ્રસાદ લીધો હતો. જેમાં નરેન્દ્ર બાપુએ તેઓને ભેટ આપી સન્માનિત કર્યા હતા.