દુષ્કર્મની ફરિયાદ નોંધાતા સૂરજ ભુવો સોશિયલ મીડિયામાં મેદાને આવ્યો

ડિમાન્ડ પુરી ન કરી શકતા ફરિયાદ થઈ હોવાનું ભુવાનું રટણ : દુષ્કર્મની ફરિયાદ નોંધાવનાર યુવતીએ પણ સોશિયલ મીડિયામાં વળતો પોતે સાચી હોવાનો જવાબ આપ્યો

જૂનાગઢ : જૂનાગઢમાં સૂરજ સોલંકી નામના ભુવા સામે થયેલી દુષ્કર્મની ફરિયાદ બાદ આ ભુવો સોશ્યલ મીડિયા મેદાને આવ્યો હતો અને પોતે નિર્દોષ હોવાનું રટણ કર્યું હતું. ડિમાન્ડ પુરી ન કરી શકતા ફરિયાદ થઈ હોવાનું ભુવાએ જણાવી પુરાવા સાથે થોડા દિવસોમાં સામે આવવાની કેફિયત આપી હતી.તેના જવાબમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવનાર યુવતીએ પણ સોશિયલ મીડિયામાં વળતો પ્રહાર કરી પોતે સાચી હોવાનું જણાવ્યું હતું.

જૂનાગઢના બહુચર્ચિત રેપ કાંડના આરોપી સૂરજ સોલંકી નામના ભુવાએ આજે સોશ્યલ મીડિયા સામે આવીને જણાવ્યું હતું કે, હાલ સોશ્યલ મીડિયામાં મને બદનામ કરવાનું કાવતરું ચાલી રહ્યું છે અને મારા વિરુદ્ધ જે રેપની ફરિયાદ થઈ છે તે તદ્દન ખોટી છે. મારે એ વ્યક્તિ સાથે સારા સબધો હતો જેનો એ વ્યક્તિએ ગેરલાભ ઉઠાવ્યો છે અને મને માનસિક રીતે ખૂબ જ હેરાન કર્યો છે. એ વ્યક્તિએ મારી પાસે ઘણી બધી ડિમાન્ડ કરી હતી.જેમાં તેણીએ રૂ. 25 લાખ અને ફેલટ માંગ્યા હોવાનો પણ આક્ષેપ કર્યો હતો. આ ડિમાન્ડ પુરી ન થઈ શકતા યુવતીએ પોતાને બદનામ કરવા માટે ખોટી ફરિયાદ નોંધાવી હોવાનું જણાવી થોડા સમયમાં આ બધી બાબતના પુરાવા સાથે લોકો સામે આવવાનું જણાવ્યું હતું.

સામાપક્ષે દુષ્કર્મની ફરિયાદ નોંધાવનાર યુવતીએ પણ સોશ્યલ મીડિયામાં સામે આવી ભુવાએ કરેલા આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા હતા. એ યુવતી કહ્યું હતું કે, ભુવાએ જે વીડિયોમાં પૈસા અને ફ્લેટ માંગ્યા હોવાનું કહે છે એ વાત તદ્દન ખોટી છે. મેં આવી કોઈ માગણી કરી જ નથી. મેં બદનામ કરવા માટે કોઈ ખોટું કાર્ય કર્યું જ નથી. મેં સાચા દિલથી પ્રેમ કર્યો હતો એના બદલામાં મને દગો મળ્યો છે. હું ઘરબાર વગરની હતી એની ખબર હોવા છતાં દસ મહિના મારી સાથે રહીને મને તરછોડી દીધી હતી. એટલે આ બાબત યોગ્ય ન કહેવાય. આથી હું સાચી છું. એથી ફરિયાદ નોંધાવી છે.એ લોકોએ જ પૈસા માટે ફોન કરીને ફોર્સ કર્યો હતો. એનું પ્રુફ પણ મારી પાસે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આ કેસમાં હવે સોશ્યલ મીડિયામાં સામસામાં પ્રહારો થવા લાગ્યા છે. ત્યારે કોણ સાચું બોલે છે અને કોણ ખોટું બોલે છે તે બાબત તો પોલીસની સમગ્ર તપાસમાં જ બહાર આવશે.