જૂનાગઢમાં ગરીબ કલ્યાણ મેળામાં ૯૫૦ લાભાર્થીઓને રૂા.૨ કરોડની સાધન સહાયનું વિતરણ

ગરીબ કલ્યાણ મેળા ગરીબોના જીવનમાં ઉજાસ લાવવા નિમિત્ત બને છે – મંત્રી રૈયાણી

ગરીબ કલ્યાણ મેળા પહેલા જૂનાગઢ જિલ્લાના ૮૭૩૪૫ લાભાર્થીને રૂા.૮૮૨ કરોડની સાધન સહાય ચુકવાય

જૂનાગઢ : માણાવદરનાં શાંતાબેન રાઠોડ અને હંસાબેનને જૂનાગઢ ખાતે યોજાયેલ ગરીબ કલ્યાણ મેળામાં રૂ ની દિવેટ બનાવવા મશીન અપાયું હતું. કડબાલ ગામની ધો.૯માં અભ્યાસ કરતી દિકરી બરાઇ રંજનને સરસ્વતી સાધના યોજના અંતર્ગત સાયકલ આપવામાં આવી હતી.જૂનાગઢ ખાતે આજે યોજાએલ ગરીબ કલ્યાણ મેળામાં શાંતાબેન સહિતના આવા ૯૫૦ લાભાર્થીઓને કુલ રૂ.૨૦ કરોડની સાધન સહાય ચૂકવવામાં આવી હતી.

જૂનાગઢ ખાતે જિલ્લા પ્રભારીમંત્રી અરવિંદભાઇ રૈયાણીના અધ્યક્ષસ્થાને યોજાયેલ ગરીબ કલ્યાણ મેળામાં કુલ ૯૫૦ લાભાર્થીઓને રૂા.૨ કરોડની સાધન સહાય ચૂકવવામાં આવી હતી.જ્યારે મેળા પહેલા જિલ્લાના કુલ ૮૭૩૪૫ લાભાર્થીને રૂા.૮૮૨ કરોડની સાધન સહાય ચૂકવવામાં આવી હતી.આ પ્રસંગે જિલ્લા પ્રભારી મંત્રી અરવિંદભાઇ રૈયાણીએ લાભાર્થીઓને સંબોધતા કહ્યું કે,ગરીબ કલ્યાણ મેળા ગરીબોના જીવનમાં ઉજાસ લાવવા માટે નિમિત્ત બને છે. આ સરકાર સામાન્ય લોકો માટે છે. વિધવા, નિરાધાર સહિત સમાજમાં વંચિતોના વિકાસ માટે સૌના સાથ સહકારથી સૌના જીવનમાં ખુશાલી લાવીશુ. તેમણે કોઇપણ સ્થિતિમાં દિકરા-દિકરીઓને શિક્ષણ અપાવવા પાછી પાની નહિં કરવા સાથે શિક્ષણ જ દરેક સમાજના ઉધ્ધારનો પાયો છે તેમ ઉમેર્યુ હતું.

આરોગ્ય, શિક્ષણ, રોજગાર, સમાજકલ્યાણ, નાગરિક પુરવઠા, કૃષિ અને સહકાર, પશુપાલન, મહિલા અને બાળ વિકાસ વિભાગ સહિત કુલ ૧૯ વિભાગના લાભાર્થીઓને મંત્રી ઉપરાંત જિલ્લા પંચાયતના પ્રમુખ શાંતાબેન ખટારિયા,મેયર ગીતાબેન પરમાર, ડેપ્યુટી મેયર ગીરીશભાઇ કોટેચા,જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઇ પટેલ, શહેર ભાજપ પ્રમુખ પુનીતભાઇ શર્મા, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન હરેશભાઇ પરસાણા, કારોબારી સમિતિ ચેરમેન કંચનબેન દઢાણિયા, પૂર્વ ધારાસભ્ય વંદનાબેન મકવાણા, પૂર્વ મેયર આદ્યાશક્તિ મજમુદાર, અગ્રણી દિનેશભાઇ ખટારિયા, શૈલેષ દવે, સંજયભાઇ મણવર સહિત અધિકારીઓ, પદાધિકારીઓના હસ્તે સાધન સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું.

જૂનાગઢના મેયર ગીતાબેન પરમારે ગરીબોને સમુદ્વિ તરફ દોરી જવા ગરીબ કલ્યાણ મેળા માધ્યમ બનશે તેમ જણાવ્યું હતું.જિલ્લા ભાજપ પ્રમુખ કીરીટભાઇ પટેલે દરેક સમાજમાં ગરીબીના કલંકને દૂર કરવા શિક્ષણની પ્રજ્વલ્લીત કરવા અને શહેર ભાજપ પ્રમુખ પુનિતભાઇ શર્માએ ગરીબ કલ્યાણ મેળાના માધ્યમથી મળતી સાધન સહાયનો ઉપયોગ કટુંબના આર્થીક ઉત્થાન માટે કરવા અનુરોધ કર્યો હતો.

આ કાર્યક્રમનાં પ્રારંભે કાર્યવાહક કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી મીરાંત પરીખે સ્વાગત પ્રવચન સાથે ગરીબ કલ્યાણ મેળાની રૂપરેખા આપી હતી. આ પ્રસંગે મ્યુ.કમિશનર આર.એમ.તન્ના,જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જાડેજા,પ્રાંત અધિકારી ભુમિ કેશવાલા,કિશન ગરશર,નાયબ કમિશનર એમ.એન.નંદાણિયા સહિત અધિકારીઓ,પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમનું સંચાલન હારૂનભાઇ વિહળે કર્યું હતું.