મુખ્યમંત્રી ૨૮મીએ ભવનાથ મહાદેવના દર્શન-પુજન કરશે

જૂનાગઢ : ગુજરાતના મુખ્યમંત્રી જૂનાગઢ-ભવનાથ ખાતે આવનાર છે.તેઓ ભજન,ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમ સમાન મહાશિવરાત્રીના મેળા નિમિત્તે ભગવાન ભવનાથના દર્શન-પુજન કરવા સાથે સાધુ-સંતોના આશીર્વાદ મેળવશે.

ગુજરાતના મુખ્યમંત્રી તા.૨૮ના રોજ ૯ કલાકે ભવનાથ મંદિર ખાતે દર્શન-પુજન કરશે.ત્યારબાદ ૯:૪૦ કલાકે શેરનાથબાપુના આશ્રમ જશે.ભારતી આશ્રમ ખાતે ધર્મોત્સવમાં સહભાગી થવા સાથે ભારતીબાપુના સમાધીસ્થળના દર્શન કરશે.૧૦:૫૦ કલાકે ઇન્દ્રભારતી આશ્રમની મુલાકાત લઇ સંતો-મહંતોના આશીર્વાદ મેળવશે.મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલની પદગ્રહણ બાદ જૂનાગઢ જિલ્લાની ત્રીજી મુલાકાત છે.જ્યારે મુખ્યમંત્રી બન્યા બાદ પ્રથમ વખત મહાશિવરાત્રીના મેળામાં આવી રહ્યા છે.

મુખ્યમંત્રીના કાર્યક્રમના સુચારૂ આયોજન માટે કાર્યવાહક કલેક્ટર મીરાંત પરીખની અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ હતી.જેમાં મેળાની ભીડને ધ્યાને લઇ પોલીસ બંદોબસ્ત તેમજ વિવિધ આશ્રમો ખાતે વ્યવસ્થા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.ઉલ્લેખનીય છે કે,ગિરનાર તિર્થક્ષેત્ર સાધુઓનું પિયર છે.મેળામાં ભાવિકો મોટી સંખ્યામાં ઉમટી પડે છે.પાંચ દિવસીય લોકમેળા દરમ્યાન અન્નક્ષેત્રોમાં લાખો ભાવિકો ગિરનારી મહારાજનો ભોજન પ્રસાદ લઇ ધન્યતા અનુભવે છે.