જુનાગઢમાં પરિણીત ભુવા સામે લગ્નની લાલચ આપી યુવતીનું યૌન શોષણ કર્યાની ફરિયાદ

રાજકોટમાં ઝેરી દવા પી લેનાર યુવતીએ ફરિયાદ નોંધાવી, ભુવાએ લગ્નની લાલચ આપી સંબંધ બાંધી ગર્ભપાત પણ કરાવી નાખ્યો

જૂનાગઢ : જુનાગઢમાં પરિણીત ભુવા સામે લગ્નની લાલચ આપી યુવતીનું યૌન શોષણ કર્યાની ફરિયાદ નોંધાઈ છે. જેમા રાજકોટમાં બુધવારે મહિલા પોલીસ સ્ટેશન નજીક ઝેરી દવા પી લેનાર યુવતીએ આજે જૂનાગઢના ભુવા સામે લગ્નની લાલચ આપીને બળાત્કાર ગુજારીને ગર્ભપાત કરાવી નાખ્યાની ફરિયાદ બી ડીવીઝન પોલીસમાં નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

જૂનાગઢના ઝાંઝરડા રોડ ઉપર ભાડાના મકાનમાં પરિવારથી અલગ રહેતી એક યુવતીએ ગઈકાલે રાજકોટમાં મહિલા પોલીસ સ્ટેશન નજીક ઝેરી દવા પી લઈને તેની સાથે દુષ્કર્મ થયું હોવાની રાવ કરી હતી, જે યુવતીએ આજે જૂનાગઢ બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં જૂનાગઢના ભુવા સુરજ લાખા સોલંકી (રહે.ભરડાવાવ, ગિરનાર દરવાજા) સામે ફરિયાદ નોધાવી છે.
જેમાં યુવતીએ જણાવેલ છે કે, સુરજ સાથે ૧૦ માસ પહેલા તેની ઇન્સ્ટાગ્રામમાં ઓળખાણ થયેલી હતી, ત્યારથી સુરજ સાથે કોન્ટેક્ટ વધતા તે પરણિત હોવા છતાં તે વાત છુપાવીને તેણી સાથે પ્રેમસંબંધ બાંધ્યો હતો, બાદમાં યુવતી પરિવારથી અલગ થઈને ઝાંઝરડા રોડ ઉપર આવેલ એક એપાર્ટમેન્ટમાં ભાડેથી રહેવા લાગી હતી, ત્યાં સુરજ પણ સાથે રહેતો હતો.

બાદમાં છેલ્લા ૧૦ માસથી સુરજ તેને લગ્ન કરવાની લાલચ આપીને દુષ્કર્મ ગુજારતો રહ્યો હતો, તે દરમિયાન ત્રણ માસ પહેલા તેણી સગર્ભા થતા સુરજે ગર્ભપાત માટે આ વિટામીન ની ગોળી હોવાનું કહીને ગોળી ખવડાવી દેતા તેણીની તબિયત લથડી હતી, અને હોસ્પિટલ જતા માલુમ પડ્યું કે, આ ગર્ભપાતની ગોળી હતી.

એક માસ પહેલા તેણીને માલુમ પડ્યું કે, સુરજ કોઈ અન્ય યુવતીના પ્રેમમાં છે, જેને લઈને તેણીએ લગ્ન કરવા માટે જીદ પકડતા સુરજે લગ્ન માટે સ્પસ્ટ ના પાડી દેતા અંતે યુવતી ભાંગી પડી હતી અને રાજકોટ પહોચીને રેસકોર્સ રોડ ઉપર ફીનાઈલ લઈને નીકળી હતી, સાથે અનાજમાં નાખવાની દવા પી લીધી હતી. બાદમાં આજે યુવતીએ ભાઈ સાથે જૂનાગઢ આવીને બી ડીવીઝનમાં ફરિયાદ નોધાવતા પોલીસે ૩૭૬ (૨), ૩૧૩, ૩૨૩, ૫૦૬ (૧) મુજબ ગુન્હો દાખલ કર્યો હતો.