મકાનના તાળા તોડી રોકડ- સોનાના દાગીના મળી રૂ.૧,૫૯ લાખની ચોરી

ભેસાણની અમરધામ સોસાયટીમાં ઘરફોડ ચોરીની ફરિયાદ નોંધાઈ

જૂનાગઢ : ભેસાણની અમરધામ સોસાયટીમાં આવેલા એક મકાનમાં ગઈકાલે રાત્રે તસ્કરો ત્રાટકયા હતા અને તસ્કરો મકાનના તાળા તોડી રોકડ- સોનાના દાગીના મળી રૂ.૧,૫૯ લાખની ચોરી કરી ગયાનો બનાવ સામે આવ્યો છે. આ ઘરફોડ ચોરીની ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે

ભેસાણ પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી નવીનભાઈ કાંન્તીભાઈ રાવરાણી (ઉ.વ.૪૨ રહે.ભેસાણ અમરધામ સોસાયટી તા.ભેસાણ જી.જુનાગઢ) એ અજાણ્યા તસ્કરો સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.૨૩ના રોજ રાત્રે કોઇ અજાણ્યા ચોર ઈસમો તેમના ઘરમાં ચોરીના ઇરાદે ત્રાટકયા હતા અને ફરીયાદીના મકાનના મુખ્ય દરવાજાનુ તાળુ તોડી ઘરમા પ્રવેશી કબાટનો લોક તોડી કબાટમા રાખેલ રોકડા રૂપિયા રૂા. ૧,૧૦,૦૦૦ તેમજ ગલ્લામા રાખેલ રોકડા રૂ.૪૦૦૦ મળી કુલ રોકડા રૂા.૧,૧૪,૦૦૦ તથા સોનાના દાગીના જેમા બે જોડી કાનની સોનાની બુટી તથા એક જોડી સોનાની વારી જે તમામ આશરે એક તોલા સોનાના દાગીનાની કી.રૂ. ૪૫,૦૦૦ મળી કુલ રૂ. ૧,૫૯,૦૦૦ ની માલમતાની ચોરી કરી ગયા હતા. આ બનાવની ફરિયાદ પરથી પોલીસે આરોપીઓને ઝડપી લેવા સઘન તપાસ હાથ ધરી છે.